અમદાવાદઃ સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર ધીરુબહેન પટેલનું આજે સવારે અહીં અવસાન થયું છે. એમની વય ૯૬ વર્ષ હતી.
‘વડવાનલ’, ‘શીમળાંનાં ફુલ’, ‘વાવંટોળ’, ‘વમળ’ જેવી નવલકથાઓ, ‘પરદુખભંજન પેસ્તનજી’, ‘ગગનનાં લગન’ જેવી હાસ્યકથાઓ અને ‘ચોરસ ટીપું’ જેવી ટૂંકી વાર્તાઓનાં લેખિકા તરીકે જાણીતાં ધીરુબહેનનો જન્મ 1926ની 29 મેએ વડોદરામાં થયો હતો. એમણે તેમનું પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં મેળવ્યું હતું. બાદમાં તેઓ ભવન્સ કોલેજ, મુંબઈમાં અધ્યાપક બન્યાં હતાં અને દહીંસર ઉપનગરની એક કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક બન્યાં હતાં. તેઓ ‘સુધા’ સાપ્તાહિકનાં તંત્રી પણ હતાં.
૨૦૦૩-૨૦૦૪ દરમિયાન એમણે ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ સંભાળ્યું હતું. ધીરુબહેનને ૧૯૮૦ના વર્ષનો ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તેમને ૧૯૮૧માં ‘કે.એમ. મુન્શી સુવર્ણચંદ્રક’ અને ૨૦૦૨માં ‘સાહિત્ય ગૌરવ પુરસ્કાર’ પ્રાપ્ત થયો હતો. ૧૯૯૬માં તેમને ‘નંદશંકર સુવર્ણચંદ્રક’ અને ‘દર્શક પુરસ્કાર’ મળ્યો હતો.
તેમની નવલકથા ‘આગંતુક’ માટે ૨૦૦૧માં તેમને સાહિત્ય અકાદમીનો ગુજરાતી ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ધીરુબહેને લખેલાં નાટક પરથી દિગ્દર્શક કેતન મહેતાએ 1980માં ‘ભવની ભવાઈ’ ફિલ્મનું નિર્માણ કર્યું હતું.