ડોનેટ લાઇફ દ્વારા અંગદાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન

સુરતઃ સુરતની યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલથી અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) હોસ્પિટલ સુધીનું ૨૬૫ કિલોમીટરનું અંતર ૨૨૦ મિનિટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી બે કિડની અને લિવરનું  ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં ડો. પ્રાંજલ મોદી, ડો. જમાલ રિઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

સુરત શહેર પોલીસ તેમ જ રાજ્યનાં વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના સહકારથી કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો.

કોળી પટેલ સમાજના બ્રેઈનડેડ કલ્પનાબહેન ઠાકોરભાઈ પટેલના પરિવારે ડોનેટ લાઇફના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

સુરતમાંથી ડોનેટ લાઇફ દ્વારા છેલ્લા બાર દિવસમાં કુલ ૧૯ અંગો અને ટિસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ ૧૮ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

દેશમાં કોવિડ-૧૯ના રોગચાળાની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખૂબજ ઓછું છે, ત્યારે સુરતમાંથી ડોનેટ લાઇફ દ્વારા છેલ્લા બાર દિવસમાં ત્રણ બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી બે હૃદય, બે ફેફસાં, છ કિડની, ત્રણ લિવર અને છ ચક્ષુઓ સહિત કુલ ૧૯ અંગો અને ટિસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ ૧૮ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.   

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઇફ દ્વારા ૩૮૮ કિડની, ૧૬૦ લિવર, ૮ પેન્ક્રિયાસ, ૩૩ હૃદય, ૧૪ ફેફસાં અને ૨૯૨ ચક્ષુઓ કુલ ૮૯૩ અંગો અને ટિસ્યુઓનું દાન મેળવીને ૮૨૧ વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.