અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 7મી જુલાઈ એટલે કે રવિવારે શહેરમાં જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળશે. ત્યારે વાત કરીએ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નીકળતી સ્વામિનારાયણ ગુરુકુળ-મેમનગરની રથયાત્રાની.
પશ્ચિમ અમદાવાદના મેમનગર ગુરુકુળ દ્વારા છેલ્લા 17 વર્ષથી યોજાતી રથયાત્રા આ વર્ષે પણ દબદબાપૂર્વક નીકળશે. પશ્ચિમ વિસ્તારના શહેરીજનો ભક્તિભાવપૂર્વક યાત્રામાં ભાગ લે છે. યાત્રા દરમિયાન આશરે ચારથી પાંચ હજાર કિલો મગ, જાંબુ, કાકડી અને વિવિધ ફળોનો પ્રસાદ પણ વહેંચવામાં આવે છે.
રથયાત્રામાં જોડાશે 22 રથ
2008થી શરૂ થયેલી આ રથયાત્રા સંભવત અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા પછી પશ્ચિમ વિસ્તારની મોટી રથયાત્રા છે. એક રથથી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. જે ગુરુકુળ વિસ્તાર, ડ્રાઇવિંગ સિનેમા રોડ અને એની આસપાસના વિસ્તારમાં ફરતી. હવે 22 રથ આ યાત્રામાં જોડાયા છે. લગભગ 15 કિલો મીટર સુધી નીકળતી આ રથયાત્રામાં શહેરની જુદી-જુદી સંસ્થાઓ પણ જોડાય છે.
રથયાત્રાનો રુટ
આવતીકાલે બપોરે 2 વાગે રથયાત્રા મેમનગર ગુરુકુળથી નીકળી સુભાષ ચોક, શાંતિ નિકેતન એપાર્ટમેન્ટની ડાબી બાજુથી એચ.બી કાપડિયા સ્કૂલ,ન્યુ નિકિતા પાર્ક, નેશનલ હાઉસ, સુદર્શન ટાવર, તપન ટેનામેન્ટ, મણીભદ્ર એપાર્ટમેન્ટથી જમણી બાજુ, ગુલાબ ટાવરથી જમણી સાઈડ, સતાધાર સ્વામિનારાયણ મંદિર, સતાધાર ચાર રસ્તાથી સીધા, સોલા રોડ ઉપર, ભુયંગદેવ ચાર રસ્તા, સ્વામિનારાયણ બાગ રોડ, વિવેકાનંદ ચોક, મેમનગર ગામ, માનવ મંદિર થઈ નિજ મંદિર ગુરુકુળ પરત ફરશે.
ગુરુકુળના શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી, માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આ રથયાત્રામાં સ્વયંમ સેવકોની બીજી એક ટીમ રથયાત્રાની પાછળ પાછળ ચાલે છે જે રથયાત્રા દરમિયાન રસ્તા પર પડતો કચરો સાફ કરે છે જેથી રથયાત્રા પસાર થયા પછી રોડ પર કચરો ન રહે.
અનેક ભક્તોએ ભાવિક ભક્તો માટે ઠેર ઠેર પાણીની પરબ અને શરબત સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ધજા-પતાકા સાથે શણગારેલા વિવિધ માર્ગો પરથી પસાર થતી યાત્રાનું દરેક સોસાયટીના રહેવાસીઓ-મહિલાઓ દ્વારા સ્વાગત-પૂજન કરવામાં આવે છે. આ રથયાત્રા ધીરે ધીરે પશ્ચિમના રહીશોમાં આકર્ષણ જમાવી રહી છે.