નવી દિલ્હી: શહેરમાં પોતાની આગવી ચિત્રકળા શૈલી માટે જાણીતા શૈલેશ સંઘવીને કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટનપ્રધાન જી. કિશન રેડ્ડીને હસ્તે ‘રાજા રવિ વર્મા સન્માન’ થયું છે. સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી મેઘમંડળ સંસ્થાન બાડમેર દ્વારા દિલ્હી પોલીસ મુખ્યાલયના આદર્શ હોલમાં મંગળવારે સાંજે યોજાયેલા ‘ચિત્રાંજલિ’ સમારોહમાં સંઘવીને આ બહુમાન અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ત્રિપુરાના ભૂતપૂર્વ રાજ્યપાલ પ્રો. કપ્તાનસિંહ સોલંકી, દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાના, જાણીતાં નૃત્યાંગના અને રાજ્યસભા સંસદસદસ્ય ડો. સોનલ માનસિંહ, રાજા રવિ વર્માના વંશજ રામ વર્મા થમપુરણ, મેઘમંડળના વિમલેશ બ્રિજવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત હતા. ભારતીય ચિત્રકલામાં રાજા રવિ વર્માનું ઘણું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. દેવી-દેવતાઓ અને પુરાણ આધારિત એમનાં ચિત્રો વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામ્યાં છે. એમની ૧૭૪મી જન્મજયંતી અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના અવસરે યોજાયેલા આ વિશિષ્ઠ સમારોહમાં દેશના અન્ય વિલક્ષણ ચિત્રકારો અને દિલ્હીની વિદ્યાલયોના બાળ-ચિત્રકારોને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
દિલ્હીમાં ઘણા ખ્યાતનામ ગુજરાતી ચિત્રકાર, પેઇન્ટરો છે, જેઓ પોતપોતાની વિલક્ષણ ચિત્રશૈલી માટે જાણીતા છે એમાં શૈલેષ સંઘવી પોતાની મ્યુરલ, એબ્સ્ટ્રેક્ટ અને મલ્ટિમિડિયા કલાકૃતિઓ અને જેમાં બનારસ થીમ વિશિષ્ટતા માટે જાણીતા છે. અગાઉ તેમણે બનારસ થીમની એક પ્રતિકૃતિ અમિતાભ બચ્ચનને ભેટ કરી હતી. પાછલાં વર્ષોમાં સંઘવીએ દિલ્હીમાં અનેક ચિત્ર પ્રદર્શનો કર્યાં છે. તેમનું રાજા રવિ વર્મા સન્માન દિલ્હીના ગુજરાતીઓ માટે ગૌરવરૂપ ઘટના છે.
દિલ્હી પોલીસ મુખ્યાલયના આદર્શ હોલમાં મંગળવારે યોજાયેલા ‘ચિત્રાંજલિ’ સમારોહમાં શૈલૈશ સંઘવીના સન્માનની વિડિયો લિન્ક અહીં છે…