રાજકોટ, ગુનેગારો સામે કડક હાથે કામ લઈને તેમના રહેઠાણો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહીના ભાગરૂપે આજે રાજકોટમાં વહેલી સવારથી 38 જેટલા ગુનેગારોની સામે સરકારી એજન્સીઓની સિંક ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી વારંવાર ગુનાઓ આચરવાની ટેવ ધરાવતા આરોપીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે. આજે સવારે પોલીસ, મહેસૂલ વિભાગ, કોર્પોરેશન, વીજ કંપની સહિતની સરકારી એજન્સીઓની સયુંકત ટીમે અટલ સરોવર અને સ્માર્ટ સીટીનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે તે રૈયા ગામ, વિસ્તારમાં દબાણ હટાવવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી જેવી ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયને ગેરકાયદે દબાણ કરનાર 38 ગુનેગારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુનેગારોની 55 ગેરકાયદે મિલકતો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા છે. બુલડોઝર કાર્યવાહીથી કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વીજ જોડાણ કટ કરવામાં આવ્યા છે. કેટલાક આરોપીઓ સામે પાસાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
ગત શુક્રવારે શહેરના પોપટપરા વિસ્તારમાં બુટલેગરની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. છેલ્લા એક મહિનાથી રાજકોટ પોલીસ અને અન્ય સરકારી કચેરીના સંયુક્ત ઓપરેશનમાં ગુનેગારો ગુનો આચરી ગેરકાયદે રહેઠાણ ઊભા કરે છે, મિલકતો ઊભી કરે છે તેને ધરાશાયી કરવા માટેની કાર્યવાહી થઈ રહી હોય ગુનેગારોમા ફફડાટ ઉભો થયો છે.
(દેવેન્દ્ર જાની, રાજકોટ)
તસવીર, નિશુ કાચા
