ગુજરાતમાં આગામી છ દિવસ દરમિયાન હવામાન વિભાગે વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 22 અને 23 મેના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે રાજ્યના 19 જિલ્લા અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. તાપમાનની વાત કરીએ તો, આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા નથી, પરંતુ આજે અમદાવાદ, રાજકોટ, ભુજ અને ડીસા જેવા શહેરોમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજકોટ, ભુજ અને ડીસામાં પણ 40 ડિગ્રી, વડોદરા અને ભાવનગરમાં 39 ડિગ્રી, સુરતમાં 36 ડિગ્રી, જ્યારે પોરબંદર અને દ્વારકામાં 35 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જેવા 19 જિલ્લાઓમાં તેમજ દીવ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે એટલે કે 18 મેના રોજ અમદાવાદમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અન્ય શહેરોમાં વડોદરામાં 37.2 ડિગ્રી, ભાવનગરમાં 39 ડિગ્રી, ભુજમાં 37.9 ડિગ્રી, ડીસામાં 38.3 ડિગ્રી, દ્વારકામાં 34.6 ડિગ્રી, ગાંધીનગરમાં 38.7 ડિગ્રી, કંડલામાં 38.2 ડિગ્રી, નલિયામાં 35.4 ડિગ્રી, ઓખામાં 34.4 ડિગ્રી, પોરબંદરમાં 34 ડિગ્રી, રાજકોટમાં 40 ડિગ્રી, સુરતમાં 34.8 ડિગ્રી અને વેરાવળમાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
