17-19 તારીખમાં રાજ્યના કેટલાક ભાગમાં વરસાદની આગાહી

અમદાવાદઃ છેલ્લાં ઘણા સમયથી રાજ્યભરમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોની ચિંતાનો પાર નથી તો આબાલવૃદ્ધ પણ બાફ અને ઉકળાટના પગલે ત્રસ્ત બન્યાં છે. ત્યારે ફરી એકવાર હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 17 થી 19 ઓગષ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે.

મહત્વનું છે કે ગુજરાતમાં વરસાદ તેમજ વાવણીની શરૂઆત મોડી થઈ હતી. વાવણી પછી દક્ષિણ ગુજરાતને બાદ કરતા મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો નથી. એવામાં ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત મોડી થઈ હતી એટલું જ નહીં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદથી અનેક ગામડાઓ જળબંબાકાર થઈ ગયા હતા, જેના કારણે ખેડૂતોની જમીનનું ધોવાણ થયું હતું. એવામાં હવે વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 56 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકથી પણ વધુ સમયમાં ગુજરાતના કોઈપણ સ્થળે નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. કચ્છમાં અત્યાર સુધી સરેરાશ 12 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 29 ટકા અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સરેરાશ 60 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. તો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો, દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 78 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.