ન્યાય યોજના લાગુ કરીશું એટલે થશે જાદુઃ રાહુલ ગાંધી

ભાવનગરઃ મહુવામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક જાહેરસભાને સંબોધન કર્યું હતું. સંબોધનની શરુઆતમાં તેમને આવવામાં મોડુ થયું અને લોકોએ ગરમીમાં રાહ જોવી પડી તે બદલ ઉપસ્થિત લોકોની માફી માંગી હતી.

રાહુલ ગાંધીએ આજે પોતાના ભાષણમાં અનેક મુદ્દે નરેન્દ્ર મોદી અને બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ કહ્યું કે પાંચ વર્ષ પહેલા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા અને જનતાએ તેમના પર ભરોસો કર્યો અને ગુજરાતની જનતાએ 26 સીટો તેમને આપીને દિલ્હી મોકલ્યા. બધાને વિશ્વાસ હતો કે મોદીજી કંઈક કરશે, પરંતુ મોદીજીએ પોતે જનતાને આપેલા વાયદાઓ પૂરા ન કર્યા, અને જનતાની આશા પર પાણી ફરી વળ્યું.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે આજે 45 વર્ષની સૌથી વધારે બેરોજગારી ભારતમાં છે અને તેનું કારણ છે નોટબંધી અને ગબ્બરસિંહ ટેક્સ(GST). અમે લોકો 75 હજાર રુપિયા ગરીબોના અકાઉન્ટમાં નાંખીશું અને જાદુ થશે. તમે 72 હજાર રુપિયાથી જેવો બજારમાં જઈને માલ ખરીદશો તેવી જ હિંદુસ્તાનની ફેક્ટરીઓ શરુ થશે, અને ભારતની આ ફેક્ટરીઓ શરુ થશે કે તરત જ તમારા બાળકોને રોજગાર મળશે. ન્યાય યોજનાથી મોટો ફાયદો થશે. ન્યાય યોજના ભારતની અર્થવ્યવસ્થાના એન્જિનને સ્ટાર્ટ કરી દેશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે 72 હજાર ન્યાય યોજનાના પૈસા છે તે સીધા જ 5 કરોડ પરિવારોના ખાતામાં જમા થશે અને માફ કરે પુરુષો પરંતુ, આ પૈસા સીધા મહિલાઓના બેંક અકાઉન્ટમાં જમા થશે. આનાથી ખેડુતો, બેરોજગાર યુવાનો, નાના દુકાનદારો આ તમામ વર્ગને મોટો ફાયદો થશે.

પાંચ વર્ષમાં મોદીજીએ જે અન્યાય કર્યો છે, તેના માટે અમે ન્યાય યોજના લાવ્યા છીએ અને આને વર્ષ 2019ની ચૂંટણી જીતતા જ લાગુ કરીશું. અને આ એક ઐતિહાસિક યોજના છે. આ યોજના બાદ જેની 12 હજાર રુપિયા પ્રતિમાસથી સેલરી ઓછી છે તેના અકાઉન્ટમાં સીધા પૈસા જમા થશે.

ન્યાય યોજનાના પૈસા અમે ચોરોના બેંક અકાઉન્ટમાંથી લાવીશું, ઈનકમ ટેક્સ પણ નહી વધારીએ અને મધ્યમવર્ગના લોકાના ખીસ્સામાંથી પણ આ પૈસા નહી આવે.

રોજગારીની વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતી યુવાન બિઝનેસ કરવા માંગે તો, સરકારી ઓફિસમાંથી મંજૂરી લેવી પડે છે અને એમાં પણ પાછા 10-15 ઓફિસોના ચક્કર લગાવવા પડે છે અને ત્યાં પણ પાછા પૈસા માંગવામાં આવે છે. અમે મેનિફેસ્ટોમાં લખ્યું કે, ગુજરાતનો યુવાન બિઝનેસ શરુ કરે તો 3 વર્ષ સુધી તેને કોઈ મંજૂરી નહી લેવી પડે. વ્યાપાર શરુ કરો, આગળ વધો અને બાદમાં મંજૂરી લો.

કોંગ્રેસ પાર્ટી એક ઐતિહાસિક કામ કરશેઃ પહેલા નેશનલ અને રેલવે એમ બે બજેટ હતા અને આજે માત્ર એક બજેટ છે. પરંતુ 2019 બાદ કોંગ્રેસ સરકાર સત્તામાં આવશે ત્યારે બે બજેટ બનશે. એક નેશનલ બજેટ અને બીજું ખેડુત બજેટ. તમારા એમએસપી અને બોનસમાં અમે વધારો કરીશું.

રાહુલ ગાંધીએ કહ્યું કે બજેટમાં જે વાત કહેવામાં આવી હોય તેનો અમલ ચોક્કસ કરવો જ પડે છે. અમે બજેટમાં પહેલાથી જ જણાવીશું કે તમારા પાક માટે તમને આટલી એમએસપી મળશે. હું ખેડુતોના દિલમાંથી દર્દ અને ડર દૂર કરવા માંગુ છું. 2019ની ચૂંટણી અમે જીતીશું ત્યારબાદ ખેડુતને લોન ન ભરી શકવાની સ્થિતીમાં ક્યારેય જેલમાં નહી જવું પડે તેવી વ્યવસ્થા લાગૂ કરીશું.

મીત્રો એક વાત જણાવો કે ખેડુત, બેરોજગાર યુવાન કે મજૂરના ઘરની બહાર ક્યાંય ચોકીદાર થોડો દેખાય. આ તમારા ચોકીદાર નથી અદાણી અને અંબાણીના ચોકીદાર છે. આ જ કારણ છે કે અમારે તમને ન્યાય અપાવવો છે. હું અહીંયા તમારી સાથે જુઠ્ઠુ બોલવા નથી આવ્યો. હું એવું નથી કહેવા માંગતો કે 15 લાખ રુપિયા નાંખીશ, પણ જો કોંગ્રેસ સત્તામાં આવશે તો 22 લાખ સરકારી નોકરીઓમાં ભરતી કરીશે, પંચાયતોમાં 10 લાખ યુવાનોને રોજગાર અપાવીશે અને ખેડૂતોની મદદ કરીને એમના દેવાં માફ કરાશે.

રાહુલ ગાંધીની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં આ પ્રથમ જાહેરસભા હતી. આગામી 18 અને 19 એપ્રિલે એ ફરીવાર ગુજરાતમાં જાહેરસભા સંબોધે એવું આયોજન થઇ રહયું છે.