નવી દિલ્હીઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બધા રાજકીય દાવપેચ અજમાવી રહી છે, એના માટે રાજ્યમાં ચૂંટણીપ્રચારની આગેવાની કોઈ મોટા યુવા નેતાને ઉતારવાની યોજના પાર્ટી બનાવી રહી છે. એવી ચર્ચા ચાલી રહી છે કે સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યમાં ચૂંટણીપ્રચારની કમાન સોંપાય એવી શક્યતા છે, એમ સૂત્રોએ કહ્યું હતું. ચઢાની આ વર્ષના પ્રારંભે પંજાબમાં આપ પાર્ટીને ધમાકેદાર જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા હતી. રાઘવ ચઢ્ઢાએ દિલ્હી અને પંજાબમાં મહત્ત્વનાં પદોએ કામ કર્યું છે અને પાર્ટીમાં તે યુવા પેઢીની વચ્ચે લોકપ્રિય ચહેરો છે.
દિલ્હી અને પંજાબમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી માટે ગુજરાત આગામી સમયમાં મોટો ટાર્ગેટ છે, આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી છે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલે હાલમાં રાજ્યની અનેક વખત મુલાકાત લીધી હતી અને બધા માટે નોકરી, મફત વીજળી-પાણી, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સુધારા કરવાનાં ચૂંટણી વચનો આપીને મતદારોને રીઝવવા પ્રયાસ કર્યા હતા. પાર્ટીએ સરપંચો માટે પણ નિશ્ચિત પગારનું એલાન કર્યું હતું. કેજરીવાલની પાર્ટીમાં ગુજરાતમાં સત્તારૂઢ ભાજપના મુખ્ય પ્રતિદ્વંદ્વી તરીકે જોવામાં આવે છે. અત્યાર સુધી રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષો હતા.
રાજ્યની સંસ્થાઓના સભ્યોને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે એવા લોકો જે રાજ્યમાં ભાજપનું શાસન નથી ઇચ્છતા અને કોંગ્રેસને પણ મત નથી આપવા માગતા, અમારે તેમનો મત હાંસલ કરવો છે, કેમ કે રાજ્યમાં ભાજપ એકમાત્ર વિકલ્પ છે.