અમદાવાદઃ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) દ્વારા ચલાવવામાં આવતો ફ્લેગશિપ ફ્રી ડાયાલિસિસ પ્રોગ્રામ છે, પુડુચેરી સરકારે આ કાર્યક્રમની પ્રશંસા કરતાં કહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં આ કાર્યક્રમ અપનાવશે.
આ સંસ્થાના ડિરેક્ટર ડો. વિનીત મિશ્રાની આગેવાની હેઠળની IKDRC ટીમની બેઠક બાદ પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજને જણાવ્યું હતું કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામે સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના દરેક માટે મફત ડાયાલિસિસ સુલભ બનાવ્યું છે અને ટૂંક સમયમાં તેમના રાજ્યમાં ‘ગુજરાત મોડલ ઓફ ક્વોલિટી ડાયાલિસિસ’ લાગુ કરવામાં આવશે.
IKDRC દ્વારા લેવામાં આવેલી પહેલની પ્રશંસા કરતાં લેફ્ટનન્ટ ગવર્નરે સેવા, શિક્ષણ અને સંશોધનના ત્રણ સ્તંભો પર આધારિત ગુજરાતમાં કિડનીની સારવારની આગેવાની માટે સંસ્થાના નેતૃત્વની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું હતું કે પ્રાદેશિક સરકાર ટૂંક સમયમાં જ જીડીપી મોડલનું અનુકરણ કરી લોકોને મફત ડાયાલિસિસ આપવા માટે પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ પુડુચેરીની તમામ સરકારી હોસ્પિટલોમાં મફત ડાયાલિસિસ શરૂ કરશે.
રાજ્ય સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતા જીડીપી 60 કેન્દ્રો અને 600 મશીનો સાથે વિશ્વમાં ડાયાલિસિસ કેન્દ્રોની એક સૌથી મોટી જાહેર ક્ષેત્રની શ્રેણી છે. જીડીપી 3000થી વધુ દર્દીઓને સુવિધા પૂરી પાડે છે અને રાજ્યમાં એક મહિનામાં 25,000 ડાયાલિસિસ કરે છે. આ યોજના હેઠળ બીપીએલ હેઠળના ગરીબ દર્દીઓને દરેક ડાયાલિસિસ સેશન માટે જીડીપી કેન્દ્રોની મુલાકાત લેતી વખતે મુસાફરીના ખર્ચ માટે 300 રૂપિયાની ચુકવણી પણ કરવામાં આવે છે.