NEET UG 2024ની પરીક્ષા વિવાદ ગરમાય રહ્યો છે. ત્યારે પેપર લીક અને ગેરરીતિ મામલે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધના પગલે પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત વડોદરામાં NEETની પરીક્ષામાં થયેલા છબરડાને લઇ NSUI બેનરો સાથે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
NEET પરીક્ષામાં ગેરરીતિને લઈ દેશ ફરમાં વિરોધના વંટોળ વેરાયા છે. ત્યારે કોંગ્રેસ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે થાત ચેડાને લઈ મેદાને ઉતરી છે. અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક જિલ્લામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી બહાર કોંગ્રેસ સહિત NSUIના કાર્યકરો દ્વારા ધરના પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NEET પરીક્ષામાં ગેરરીતિને લઈને દિલ્હી યુનિવર્સિટીમાં પણ વિરોધ પ્રદર્શનો થયા હતા. શુક્રવારે અહીં વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ હાથમાં કાળા ઝંડા લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દિલ્હી યુનિવર્સિટી પહોંચવાના હતા. દિલ્હી યુનિવર્સિટીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને પોતાનો કાર્યક્રમ રદ કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યમાં પણ NEET પરીક્ષાને લઈ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે. ત્યારે અવારનવાર પેપર લીક થવાની ઘટનાઓ વધી રહી છે. નીટની પરીક્ષામાં ગેરરીતિ અંગે કાનપુરમાં પણ કોંગ્રેસના કાર્યકરો તથા પદાધિકારીઓ કલેક્ટરના કાર્યાલયની સામે એકઠા થયા હતા અને તેમણે દેખાવો કર્યો હતો. બીજી બાજુ જિલ્લાધિકારીના કાર્યાલયની સામે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પૂતળાને આગ ચાંપી હતી.