અમદાવાદઃ શહેરના કાલુપુર વિસ્તારમાં જથ્થાબંધ ચીજ વસ્તુઓનું વિશાળ બજાર છે. કોરોના વાયરસની આફત વચ્ચે સરકારની છુટ આપવામાં આવેલા સમય ગાળા દરમિયાન છુટક-જથ્થાબંધ ખરીદી કરનારા લોકોથી ઉભરાઈ જાય છે.
ચોખા, ઘંઉ, દાળ, તેલ, ઘી, ખાંડ જેવી અનેક જીવન જરૂરી ચીજવસ્તુઓનો જથ્થો કાલુપુર માર્કેટમાં ઉપલબ્ધ હોવાથી દુર દુરના વિસ્તારોમાંથી વેપારીઓ, સેવાનો કેમ્પ ચલાવતા લોકો પરોઢિયે જ વાહનો ખડકી દે છે.
હોલસેલ માર્કેટમાં કેટલાક વેપારીઓએ આ આફત વચ્ચે વધુ ભાવ લેવાની કોશિશ કરતા રોષ ફેલાયો છે. તંત્રની સતર્કતાથી કાળા બજારનો પ્રયત્ન નિષ્ફળ ગયો હતો. પોલીસના જવાનો અવ્યવસ્થા ન ફેલાય એ માટે ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. બીજી તરફ કાલુપુર શાકભાજીના બજારમાં માઈક પર સતત સૂચના આપવામાં આવી રહી છે.
પચાસ કિલો વજનથી ઓછી ખરીદી કરનારા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શાકભાજીના નાના વેપારીઓ માલ લઈ શકે, સરળતાથી પોતાના વિસ્તારમાં વેચાણ કરી શકે અને ભીડના થાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પોલીસના જવાનો તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)