વડા પ્રધાન મોદીએ દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું

અમદાવાદઃ વડા પ્રધાન મોદીએ અમદાવાદમાં આઝાદીના 75મા વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે હું આ શુભ પ્રસંગે બાપુનાં ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. હું દેશની આઝાદીની લડતમાં પોતાને માટે હાકલ કરનાર તમામ મહાન હસ્તીઓનાં ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. આપણું સૌભાગ્ય છે  કે આપણે આ ઐતિહાસિક પ્રસંગનો હિસ્સો બનવા જઈ રહ્યા છીએ.

આઝાદીનો અમૃત મહોત્સવ ઓગસ્ટ 2023 સુધી ચાલશે, એમ વડા પ્રધાને કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશના અલગ-અલગ હિસ્સા આઝાદીની લડાઈના સાક્ષી બન્યા છે. ગુલામીના દોરમાં કરોડો લોકોએ આઝાદીની સવારની રાહ જોઈ હતી. આ મહોત્સવમાં પાંચ સ્તંભો પર ભાર મૂકવામાં આવ્યો છે, ફ્રીડમ સ્ટ્રગલ, એક્શન, અચીવમેન્ટ્સ અને આઇડિયા જેવા સ્તંભો સામેલ છે. આજે દાંડી યાત્રાની વર્ષગાંઠ પર ઇતિહાસ બનતો જોઈ રહ્યા છીએ. વડા પ્રધાન મોદીએ દાંડી યાત્રાને પ્રસ્થાન પણ કરાવ્યું હતું. છઠ્ઠી એપ્રિલે દાંડી યાત્રાનું સમાપન થશે.

નમક શ્રમ અને સમાનતાનું પ્રતીક છે.અંગ્રેજોએ આત્મનિર્ભરતાના પ્રતીક પર ઘાત કર્યો હતો. દિલ્હી ચલો નારો દેશ આજે પણ ભૂલી ન શકે. દરેક ચળવળ આપણને પ્રેરણા આપે છે. ઘણી ચળવળોને મળવું જોઈએ એટલું મહત્વ મળ્યું નથી.

દેશના ખૂણે-ખૂણેથી ઘણા દલિત, આદિવાસી, મહિલાઓ અને યુવાનો છે જેમણે અસંખ્ય બલિદાનો આપ્યાં છે. તામિલનાડુના 32 વર્ષીય યુવાન- કોડી કાથમારણને યાદ કરો, બ્રિટિશરોએ તે યુવાનને માથામાં ગોળી મારી દીધી, પરંતુ તેણે મરતા પણ દેશનો ધ્વજ જમીન પર પડવા દીધો નહીં, એમ તેમણે કહ્યું હતું.  આર્થિક રૂપથી પણ ભારત આગળ વધ્યું છે.130 કરોડની આકાંક્ષાઓ પર ભારત આગળ વધી રહ્યું છે. દેશ પાસે રસીનું સામર્થ્ય છે. વસુધૈવ કુટુમ્બકમના સિદ્ધાંત સાથે ભારતે લોકોની મદદ કરી છે, એમ તેમણે કહ્યું હતું.