ઉ.પ્ર.માં રસ્તા પરનાં ગેરકાયદેસર ધાર્મિક-બાંધકામો દૂર કરાશે

લખનઉઃ ઉત્તર પ્રદેશ સરકારે ગુરુવારે કહ્યું હતું કે વર્ષ 2011થી જાહેર રસ્તાઓ અને રસ્તાના કિનારે બાંધવામાં આવેલા કોઈ પણ ધાર્મિક બાંધકામને તત્કાળ દૂર કરવામાં આવશે. સરકારે વરિષ્ઠ વહીવટી અને પોલીસ અધિકારીઓને આ માટે જરૂરી કાર્યવાહી કરવા પર નિર્દેશો જારી કર્યા હતા.

સરકારે જાહેર રસ્તાઓ, શેરીઓ અને રસ્તાના કિનારે બધાં ધાર્મિક સ્થળો દૂર કરવાની કવાયત તેજ કરી દીધી છે. ગૃહ વિભાગે આ માટે સત્તાવાર નોટિફિકેશનમાં  કહ્યું હતું કે જાહેર રસ્તાઓ, રસ્તાની પાસે કે શેરીઓમાં ધાર્મિક સ્થાળોના બાંધકામ કે જે પહેલી જાન્યુઆરી, 2011 પછીના હશે એમને તરત દીર કરવાનાં રહેશે.

ગહ વિભાગ દ્વારા આ માટે જિલ્લા કક્ષાઓના તમામ વરિષ્ઠ વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને કહ્યું છે કે જો ધાર્મિક સ્થળ પહેલી જાન્યુઆરી, 2011 પહેલાં હશે, તો એને જેતે ધર્મના અનુયાયીઓ અથવા એને સંચાલિત કરતી જવાબદાર વ્યક્તિઓએ આપેલી જમીનમાં અથવા ખાનગી જમીનમાં ખસેડવાના રહેશે. આ કામ માટે આગામી છ મહિનાની મુદત આપવામાં આવી છે.

હાઇકોર્ટે રસ્તાના કિનારે અતિક્રમણ કરીને બનાવેલે ધાર્મિક સ્થળોને દૂર કરવાના આદેશ આપ્યા હતા, એ પછી વહીવટી સ્તરે સરકારે આવાં ધાર્મિક સ્થળોને દૂર કરવાની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

આ મામલે બધા જિલ્લાધિકારીઓને 14 માર્ચ સુધી અહેવાલ સુપરત આપવા નિર્દેશ આપવામાં આવ્યા હતા, જેમાં જિલ્લાના અધિકારીઓએ એ જણાવવાનું હતું કે આ આદેશ પછી કેટલાં જાહેર સ્થળોએ ધાર્મિક અતિક્રમણથી ખાલી કરાવ્યાં છે.