બ્રાન્ડેડ પ્રોડક્ટ પર GST લાગુ થતાં અમૂલ દૂધમાં ભાવવધારો

અમદાવાદઃ દેશની સૌથી મોટી દૂધની ડેરી અમૂલે દૂધની કિંમતોમાં વધારો કર્યો છે. અમૂલે દૂધમાં લિટરદીઠ રૂ. બેનો વધારો કર્યો છે. મધર ડેરીએ પણ દૂધની કિંમતોમાં રૂ. બેનો ભાવવધારો કર્યો છે. આ બંને ભાવવધારો આવતી કાલથી લાગુ થશે. બ્રાન્ડેડ દૂધ અને દૂધની બનાવટ પર GST લાગુ થતાં અમૂલે દૂધ, દહીં, છાસ અને લસ્સી જેવી પ્રોડક્ટ્સ પર ભાવવધારો કર્યો હતો. આ ભાવવધારો એકંદર ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે પણ કરવામાં આવ્યો છે. બંને ડેરીઓએ દૂધની કિંમતોમાં વર્ષમાં બીજી વાર ભાવવધારો કર્યો છે.

સરકારે ગયા મહિને બ્રાન્ડેડ દૂધ અને દૂધની પ્રોડક્ટ પર પાંચ ટકા GST લગાડ્યો હતો. જેથી બ્રાન્ડેડ દહીં અને લસ્સીની કિંમતોમાં વધારો થઈ ચૂક્યો છે. તહેવારોની સીઝનના પ્રારંભે દૂધની કિંમતો વધતાં સામાન્ય લોકોનાં ખિસ્સામાં ઓર માર પડશે.

અમૂલે આ પહેલાં પહેલી માર્ચે દૂધની કિંમતોમાં પ્રતિ લિટર રૂ. બેનો ભાવવધારો કર્યો હતો, જ્યારે મધર ડેરીએ છઠ્ઠી માર્ચે દૂધની કિંમતોમાં ભાવવધારો કર્યો હતો. એ સમયે કંપની ટ્રાન્સપોર્ટેશન ખર્ચનો હવાલો આપ્યો હતો.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)- અમૂલના બ્રાન્ડે  દેશમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. બેનો વધારો કર્યો છે. અમૂલે અમૂલ ગોલ્ડનો ભાવ રૂ. 31 પ્રતિ 500 મિલી, અમૂલ તાજા રૂ. 25 પ્રતિ 500 મિલી અને અમૂલ શક્તિ રૂ. 28 પ્રતિ 500 મિલી, પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો છે.

પાછલા વર્ષની સરખામણીમાં પશુઓનો ખોરાક અંદાજે 20 ટકાનો જેટલો વધારો થયો છે.  વળી, અમૂલ ફેડરેશનના સંલગ્ન દૂધ સંઘો દ્વારા ખેડૂતોના દૂધ ઉત્પાદન ભાવમાં પાછલા વર્ષની સરખામણીમાં આઠથી નવ ટકા જેટલો વધારો પણ કરવામાં આવ્યો છે, જેથી આ ભાવવધારો કરવામાં આવ્યો છે.