ગુજરાત ATSએ વડોદરામાંથી 200 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

અમદાવાદઃ ગુજરાત ATSએ 12 જુલાઈએ કચ્છના મુંદ્રામાંથી રૂ. 376 કરોડથી વધુની કિંમતનું 70 કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે 14 ઓગસ્ટે આશરે 30 લાખની કિંમતનું 289 ગ્રામ MD (મેફેડ્રોન) જપ્ત કરવા સાથે ચાર જણની ધરપકડ કરી છે. હવે ફરી ગુજરાત ATSએ વડોદરામાં ડ્રગ્સનો મોટો જથ્થો પકડી સપાટો બોલાવ્યો છે. આ ડ્રગ્સ મુંબઈ અને ગોવા મોકલવામાં આવતું હતું. આ અગાઉ પણ એક વખત આ ડ્રગ્સ રાજ્ય બહાર સપ્લાય કરવામાં આવ્યું હોવાની આશંકા છે.

ગુજરાત ATS અને વડોદરા SOGએ હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં નેક્ટર કેમ નામની કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. વડોદરાના સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં નેક્ટક કેમ નામની કેમિકલ ફેક્ટરીની આડમાં ડ્રગ્સનું કૌભાંડ બહાર આવ્યું છે. પોલીસે સ્થળ પરથી અંદાજે રૂ 200 કિલોનું MD ડ્રગ્સ પકડી પાડ્યું છે. જોકે પોલીસે આ ડ્રગ્સ કેટલી કિંમતનું અને કેટલા જથ્થામાં પકડી પાડ્યું છે એની વિગતો હજી બહાર નથી પાડી, પણ સૂત્રોના જણાવ્યાનુસાર આ ડ્રગ્સ રૂ. 1000 કરોડની આસપાસનું હોવાની પણ આશંકા છે. આ અંગે હજી ગુજરાત ATS દ્વારા તપાસ ચાલી રહી છે.

રાજ્યની પોલીસે પાડેલા સાવલી મોક્સી રોડ પર આવેલી GK માર્બલ કંપનીમાં દરોડા પાડતાં જાણવા મળ્યું હતું કે આ કંપનીમાં માર્બલના ભૂકાની આડમાં ડ્રગ્સ સપ્લાય કરવાનો વેપાર થતો હતો. ત્યાર બાદ પાડવામાં આવેલા દરોડામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

ગુજરાત ATSના ઉચ્ચ અધિકારીઓ, FSL, પોલીસની વિવિધ બ્રાંચો અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે અને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.