રાજ્યમાં ‘ભારે’વરસાદની આગાહીઃ અરવલ્લીમાં 9.5 ઇંચ

અમદાવાદઃ રાજ્યમાં ફરી એક વાર વરસાદે રમઝટ બોલાવી છે. હવામાન વિભાગે રાજ્યમાં હજી બે દિવસ ‘ભારે’ હોવાનો વરતારો કર્યો છે. સરદાર સરોવર ડેમમાં ઉપરવાસથી સતત પાણીની આવકને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો મંડાઈ રહ્યો છે. ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની સપાટી 20 ફૂટે પહોંચી છે. નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે. જેથી નદીના કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાડા નવ ઇંચ વરસાદ ખાબકતાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયાં છે. જિલ્લાની હાથમતી, બુઢેલી નદીઓમાં અને લીલછા પાસેની ઇન્દ્રાસી નદીમાં ઘોડાપૂર આવતાં નદીકાંઠાનાં 20 ગામોને સતર્ક કરવામાં આવ્યાં છે.

નવસારીમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીમાં સરેરાશ 4.30 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં સરેરાશ બેથી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સરેરાશ 89 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં સરેરાશ 140 ટકા સૌરાષ્ટ્રમાં 82 ટકા, દક્ષિણ ગુજરાતમાં 100 ટકા અને ઉત્તર ગુજરાતમાં 80 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં ફરી એક વાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, દ્વારકા,ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.