ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન પહેલાં જ વરસાદી વાતાવરણે રાજ્યના અનેક વિસ્તારોને ઘેરી લીધા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી લઈને ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર-પાંચ દિવસમાં કેરળમાં ચોમાસાનું આગમન થવાની સંભાવના છે, જેની અસર ગુજરાત પર પણ જોવા મળશે. હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી 26 મે સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. આજે, 21 મેના રોજ, રાજ્યના 21 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતમાં આજે સવારથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં અડાજણ, પાલ, રાંદેર અને અઠવાલાઇન્સ જેવા વિસ્તારોમાં વરસાદે જોર પકડ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયાથી લઈને ભારે વરસાદની શક્યતા છે. આવતીકાલથી વરસાદની તીવ્રતામાં વધારો થશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. હાલ રાજસ્થાન તરફની એક સિસ્ટમ અને અરબી સમુદ્રમાં સક્રિય અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશનની બીજી સિસ્ટમને કારણે વરસાદી પરિસ્થિતિ ઉભી થઈ છે. આ સાઇક્લોનિક સર્ક્યુલેશન 22 મેની આસપાસ લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાઈ શકે છે. ચોમાસાને લગતી સ્થિતિ દેશભરમાં અનુકૂળ હોવાથી, ગુજરાતમાં પણ આ વર્ષે સારું ચોમાસું જોવા મળે તેવી શક્યતા છે.
આજે વિવિધ શહેરોમાં તાપમાનની આગાહી અનુસાર, અમદાવાદ અને રાજકોટમાં મહત્તમ 41 ડિગ્રી, ભુજ અને ડીસામાં 40 ડિગ્રી, સુરત અને ભાવનગરમાં 38 ડિગ્રી, વડોદરામાં 39 ડિગ્રી, પોરબંદરમાં 36 ડિગ્રી અને દ્વારકામાં 33 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે. ગઈકાલે, 20 મેના રોજ, અમદાવાદ અને રાજકોટમાં 41 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી, ભુજ અને ડીસામાં 40.2 ડિગ્રી, વડોદરામાં 39 ડિગ્રી, ભાવનગરમાં 38.6 ડિગ્રી, સુરતમાં 36.7 ડિગ્રી, કંડલામાં 37.2 ડિગ્રી, નલિયામાં 35.5 ડિગ્રી, ઓખા અને પોરબંદરમાં 35 ડિગ્રી, તેમજ દ્વારકા અને વેરાવળમાં 33.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
