કેરળમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત બાદ દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસાની ધીમે-ધીમે એન્ટ્રી થઈ રહી છે. ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ચોમાસાની જાહેરાત થઈ ચૂકી છે, મુંબઈમાં પણ આજે સવારથી વિવિધ વિસ્તારમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે સુરત, તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.
વલસાડ અને નવસારીમાં હવામાન વિભાગે 41થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટને કારણે વહીવટી તંત્રને સાવચેત રહેવા અને પૂર જેવી સ્થિતિ માટે તૈયારી કરવા સૂચના આપવામાં આવી છે. સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. 24 મેના સવારના 6 વાગ્યાથી 25 મેના સવારના 6 વાગ્યામાં રાજ્યના 37 તાલુકામાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના 6 થી વધુ જિલ્લા ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
આગામી બે દિવસ માટે હવામાન વિભાગે વધુ સાવચેતીની જાહેરાત કરી છે. 26 મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. 27 મેના રોજ દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ રહેશે. નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને હવામાન અપડેટ્સ પર નજર રાખવા અપીલ કરાઈ છે.
