જગન્નાથજીની રથયાત્રાને શરતી મંજૂરી અપાય એવી શક્યતા

અમદાવાદઃ આ વર્ષે ભગવાન જગન્નાથજીની 144 રથયાત્રા કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને શરતી મંજૂરી સાથે નીકળે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની ત્રીજી લહેરના ડર વચ્ચે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા મામલે આખરે નિર્ણય લેવાઈ ચૂક્યો છે. ભગવાન જગદીશ ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે અમદાવાદની નગરચર્યાએ નીકળશે અને બપોરે 12 કલાક સુધીમાં નિજ મંદિરે પરત આવી જશે. જોકે રથયાત્રા દરમ્યાન કોરોનાની ગાઇડલાઇનના ચુસ્ત પાલન કરાવવામાં આવશે. સરકાર પણ કેટલીક શરતોએ મંજૂરી આપશે, તેમ ટ્ર્સ્ટીગણનું માનવું છે.

સરકાર હાલ રથયાત્રા કાઢવાને મુદ્દે ત્રણ એક્શન પ્લાન બનાવી રહી છે. જે દિવસે રથયાત્રા નીકળવાની હોય ત્યારે રથયાત્રાના રૂટ ઉપર કર્ફ્યુ લગાવવામાં આવી શકે છે, જેથી કરીને લોકોની ભીડ એકત્રિત ન થાય અને સંક્રમણનો ડર ન રહે. બીજો એક્શન પ્લાન રથયાત્રાના સમય મર્યાદામાં ઘટાડો કરે અને ત્રીજો એક્શન પ્લાન જો સંક્રમણનો ફેલાવાનો ડર રાજ્ય સરકારને સતાવતો હોય તો મંદિર પરિસરની બહારથી લઈને જમાલપુર દરવાજા અને સપ્તર્ષિના આરાથી આ રથયાત્રા નિજ મંદિરે પરત ફરે તેવી વિચારણા સરકાર કરી રહી છે.

ગયા વર્ષે કોરોનાને કારણે રથયાત્રાનું આયોજન છેલ્લી ઘડીએ મોકૂફ રખાયું હતું અને ત્રણેય રથ મંદિર પરિસરમાં ફર્યા હતા. જોકે આ વર્ષે પોલીસ, પત્રકારો અને મર્યાદિત લોકોની હાજરીમાં ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળે, એવી શક્યતા છે.