અમદાવાદ: સોમવારે સપ્તાહની શરૂઆતમાં શહેરના આંબલી બોપલ રોડ પર નશાની હાલતમાં પૂરપાટ ઝડપે આવતા ઓડી ચાલકે પાંચથી સાચ વાહનોને હડફેટે લીધા હતા. જે બાદ તેની કાર રેલિંગ સાથે અથડાઈ હતી. આ કારચાલક રિપલ પંચાલ અકસ્માત બાદ એટલી નશાની હાલતમાં હતો કે, તેનાથી ઉભુ પણ રહેવાતું ન હતુ. એટલું જ નહીં પરંતુ કારની બહાર નીકળતા પહેલા પોતાની પર સ્પ્રે પણ છાંટયું હતુ.
અકસ્માત બાદ રિપલ પંચાલને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જે બાદ તેમની પત્ની દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યુ કે તેમને દારૂ પીવાની કુટેવ છે. વધુમાં રિપલ દવાના નશામાં હોવાની વાત કરી હતી. પરંતુ હાલમાં નબીરા રિપલ પંચાલને પોલીસે રિમાન્ડ ન માગ્યા હોવાથી જામીન પર છોડી દેવામાં આવ્યો છે. આરોપી રિપલ પંચાલે કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જેની પર કોર્ટે નિર્ણય આપ્યો છે. કોર્ટે ઈસ્કોન આંબલી રોડ પર બેલગામ કાર ચલાવનારા આરોપી રિપલ પંચાલને માત્ર 24 કલાકમાં જ જામીન પર મુક્ત કર્યો છે. નબીરા રિપલને રૂપિયા 15 હજારના શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીને રિપલ પંચાલને કોર્ટમા રજૂ કર્યો હતો. જોકે, પોલીસે આરોપીના રિમાન્ડ ન માંગતા કોર્ટે તેને જામીન આપી દીધા છે.