અમદાવાદઃ શહેરમાં ડ્ર્ગ્સ જપ્તીની બે ઘટનાઓમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુરુકુળ, એસજી હાઇવે અને સિંધુ ભવન રોડથી કેટલાક યુવાઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ચરસ વેચવાના આરોપસર છ લોકોની ધરપકડ કરી છે, જેમાં સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)એ 58.9 કિલોગ્રામના ચરસના ડોડાના પાઉડર સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. અમદાવાદ એસઓજીના ડીસીપી મુકેશ પટેલ દ્વારા નશાખોરીના દૂષણને ડામવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. એસઓજીની ટીમે નરોડા બેઠક મુનશી કમ્પાઉન્ડ પાસે મોહનનગર સોસાયટીમાં રહેતા અને સ્થાનિક વિસ્તારમાં વિહત કૃપા જનરલ એન્ડ પ્રોવિઝન સ્ટોર ધરાવતા રાકેશ કેશવલાલ મોદી (ઉ.વ 54)ને ઝડપી લીધો હતો. તેની દુકાનમાંથી અને ઘરમાંથી ગાંજો તથા પોશ ડોડાના પાઉડરના બે ડબ્બા ભરીને જથ્થો મળી આવ્યો હતો. એસઓજીની ટીમે 59 કિલો ગાંજા સાથે રાકેશની ધરપકડ કરી વધુ તપાસ આદરી છે. પૂછપરછમાં રાકેશ મોદીએ જણાવ્યું હતું કે સમાજમાં યોજાતા લગ્નપ્રસંગ વખતે કસુંબા પાણી માટે ગાંજો અને ડોડા પાઉડરનો ઉપયોગ થતો હોય છે. તે ચોક્કસ ગ્રાહકોને ગાંજો આપતો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી. પી. ચુડાસમાની ટીમે લક્ઝુરિયસ કારમાં ચરસ આપવા આવેલા ચાર યુવકો અને અન્ય કારમાં ચરસ લેવા માટે આવેલા બે યુવકોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ચરસનો 500 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ચરસ સાથે ઝડપાયેલા મેહુલ રાવલ, કુણાલ પટેલ, અર્જુનસિંહ ઝાલા તથા બ્રિજેશ પટેલ રાધનપુરથી ચરસ લાવ્યા હતા અને તેઓ ચરસ હર્ષ શાહ તથા અખિલ ભાવસારને આપતા હતા. હર્ષ તથા અખલ ચરસ સિંધુ ભવન ગુરુકુળ તથા એસ.જી. હાઇવે આજુબાજુના વિસ્તારમાં વેચતા હતા.