જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મૃત્યુ બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓ પર 7 મે, 2025ના રોજ ચોક્કસ હવાઈ હુમલા કરી વળતો જવાબ આપ્યો. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 26 મે, 2025ના રોજ અમદાવાદમાં એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી રોડ શો યોજાશે, જેને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લોકોને ટ્રાફિકની અસુવિધા ન થાય તે માટે અગાઉથી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં રસ્તાઓનું બંધ રહેવાનું શેડ્યૂલ અને વૈકલ્પિક માર્ગોની વિગતો આપવામાં આવી છે.
વડાપ્રધાન મોદીનો રોડ શો 26 મે, 2025ના રોજ સાંજે અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી યોજાશે. આ દરમિયાન અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના મુખ્ય રસ્તાઓ બપોરે 1 વાગ્યાથી નો-પાર્કિંગ ઝોન રહેશે, અને સાંજે 4 વાગ્યા બાદ ડફનાળાથી એરપોર્ટ જતા રસ્તા પર ફક્ત રોડ શોના વાહનો અને એરપોર્ટના યાત્રીઓના વાહનોને જ પ્રવેશ મળશે. ઈન્દિરા બ્રિજથી એરપોર્ટ જતા વાહનોએ હાંસોલ સર્કલથી સરદારનગર માર્ગે Pristine હોટેલ કટથી એરપોર્ટ પહોંચવું પડશે. ફ્લાઇટવાળા પ્રવાસીઓએ સાંજે 6થી 9 વચ્ચેની ફ્લાઇટ હોય તો બે કલાક વહેલા નીકળવું અને પોલીસને ટિકિટ બતાવવી. રોડ શોમાં ભાગ લેનારાઓએ સાંજે 5 વાગ્યા પહેલાં નિર્ધારિત સ્થળે પહોંચવું.
અમદાવાદ-ગાંધીનગર આવજા કરતા નાગરિકોએ બપોર પછી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો: (1) સુભાષ બ્રિજથી વિસત, તપોવન સર્કલ માર્ગે ગાંધીનગર, અથવા (2) ડફનાળાથી રામેશ્વર, મેમકો, નરોડા પાટિયા, ચિલોડા સર્કલ માર્ગે ગાંધીનગર. હાંસોલ, કોટરપુર, નોબેલ નગર, મેઘાણી નગર, અને સરદાર નગરના રહેવાસીઓએ બિનજરૂરી વાહનો ન લઈ જવું અને જરૂર પડે તો વૈકલ્પિક માર્ગો વાપરવા. કટોકટીના કિસ્સામાં ટ્રાફિક હેલ્પલાઇન 1095 પર સંપર્ક કરવો.
