લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. તમામ પાર્ટીઓનો છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરતા પ્રવાસે છે.PM મોદીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી ચૂંટણી મેદાનમાં છે. વડાપ્રધાન મોદીએ મા અંબાના જય જયકારથી જાહેરસભા સંબોધવાનું શરૂ કર્યું હતું.
કોંગ્રેસ પર કર્યા પ્રહાર
PM મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે હવે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન 2024ની ચૂંટણીમાં જૂઠ લઇને આવી છે, તેઓ સંવિધાન બતાડે છે, તેઓ ડર બતાવે છે કે, અનામત લઇ લેશે. જોજો તેઓ આ ચૂંટણીમાં પણ અગાઉ કરતા ઓછી બેઠકોમાં સમેટાઇ જશે. બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાં તેમને એક પણ બેઠક મળવાની શક્યતા દેખાતી નથી, જુઓ તેમની આવી સ્થિતિ છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કે, વર્ષ 2014માં હું પહેલી વાર લોકસભા ચૂંટણી મેદાનમાં આવ્યો ત્યારે કોંગ્રેસના મુદ્દા હતા કે, આ ચા વાળો, ગુજ્જુ, દાળભાત ખાનારો શું કરવાનો છે. તેમણે અનામત મુદ્દે કોંગ્રેસને આડેહાથ લઈ કહ્યું કે, અમે આવું પાપ કરવા માટે જન્મ્યા નથી. આવા પાપના માર્ગે જવાનું અમારું કામ નથી. કોંગ્રેસ પાર્ટી.. તમે કાન ખોલીને સાંભળી લો કે, જ્યાં સુધી મોદી જીવે છે, ત્યાં સુધી ક્યારે ધર્મના આધારે અનામતની રમત રમવા નહીં દઉ. હું કોંગ્રેસને પડકાર ફેંકુ છું કે, જો તેમનામાં હિંમત હોય તો તેઓ બોલે કે, ધર્મના આધારે ક્યારેય અનામતનો દુરુપયોગ નહીં કરીએ, બંધારણમાં ફેરફાર નહીં કરીએ, ધર્મના આધારે કોઈને અનામત નહીં આપીએ. હિંમત હોય તો કોંગ્રેસ આવી જાહેરાત કરે, પરંતુ તેઓ આવું ક્યારેય નહીં કરે, કારણ કે દાળમાં કંઈક કાળું છે.
અમારો સંકલ્પ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવાનો
ગુજરાત વિશે વાત કરતા તેમણે કહ્યું કે, મા અંબાના ચરણોમાં આવીને ગુજરાતની પહેલી ચૂંટણી સભા સંબોધન કરવાનો મને મોકો મળ્યો છે. ગુજરાતની ધરતીએ મને જે સંસ્કાર, શિક્ષણ અને લાંબા સમય સુધી મુખ્યમંત્રી રાખીને અનુભવની તક આપી એ બધું આજે દિલ્લીમાં લેખે લાગે છે. અમારો સંકલ્પ વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવાનો છે.
પ્રધાનમંત્રીનો આવતીકાલનો કાર્યક્રમ
પ્રધાનમંત્રી આવતીકાલે 2જી મેના મધ્ય ગુજરાતના આણંદમાં સવારે 10 કલાકે, સુરેન્દ્રનગર-રાજકોટ રોડ પર ત્રિમંદીર મેદાનમાં બપોરે 12.00 કલાકે, જૂનાગઢમાં 2.15 કલાકે અને જામનગરમાં સાંજના 4.15 કલાકે જાહેરસભા સંબોધશે. તેમના બે દિવસના કાર્યક્રમમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર મતવિસ્તારને અસર કરતી સભા સુરેન્દ્રનગરમાં યોજાશે.