અમદાવાદઃ વડા પ્રધાન મોદી મંગળવારે (પહેલી નવેમ્બરે) મોરબી જશે. અહીં એક દિવસ પહેલાં કેબલ સસ્પેન્શન પૂલ તૂટવાથી મોટી દુર્ઘટના બની હતી, જેમાં મોતનો આંકડો 190ને પાર થયો છે. વડા પ્રધાન આ દુર્ઘટનામાં પીડિતોને મળશે. તેમણે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મારું મન મોરબીમાં છે. એક તરફ શોકથી વ્યાકુળ છું, પણ બીજી બાજુ કર્તવ્ય પથ છે. તેઓ બપોર પછી મોરબીની મુલાકાત લેશે. બીજી બાજુ, પોલીસે આ કેસમાં હજી સુધી નવ લોકોની અટકાયત કરી છે.
તેમણે જણાવ્યું હતું કે સરકાર દરેક રીતે પીડિત પરિવારોની સાથે છે. રાજ્ય સરકાર ગઈ કાલ સાંજથી રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકારને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. NDRF અને આર્મી તહેનાત છે.
રાજ્યના મુખ્ય પ્રધાને આ દુર્ઘટનાની તપાસ કરવા પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે, જેમાં રાજકુમાર બેનીવાલ (IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર), કે એમ પટેલ (ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ, આર એન્ડ બી વિભાગ-ગાંધીનગર), ડો.ગોપાલ ટાંક (HoD સ્ટ્રક્ચરલ એન્જિ, એલડી એન્જિનિયરિંગ કોલેજ-અમદાવાદ), સંદીપ વસાવા (સચિવ માર્ગ અને મકાન વિભાગ) અને સુભાષ ત્રિવેદી (IG CID ક્રાઇમ)નો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીશ્રી આવતીકાલે ૧ તારીખે બપોર પછી મોરબીની મુલાકાત લેશે.
— CMO Gujarat (@CMOGuj) October 31, 2022
આ પૂલ છ મહિનાથી બંધ હતો અને ચારથી પાંચ દિવસ પહેલાં જ શરૂ કરવામાં આવ્યો હતો. આ પૂલ પર રવિવારે 500થી વધુ લોકો પહોંચ્યા હતા, જેની ક્ષમતા 100 લોકોની જ છે. અહીંની નગરપાલિકાએ ફિટનેસ સર્ટિફિકેટ પણ નહોતું આપ્યું. આ દુર્ઘટનામાં 50થી વધુ બાળકો માર્યા ગયા હતા. બીજી બાજુ મોરબી અને રાજકોટની હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઊભરાઈ રહી છે.
મોરબી ખાતે થયેલ દુર્ઘટનાથી અત્યંત દુ:ખી છું. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp તથા અન્ય અધિકારીઓ સાથે વાત કરી. રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે તથા અસરગ્રસ્તોને તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
— Narendra Modi (@narendramodi) October 30, 2022
આ પૂલ 100 વર્ષ કરતાં પણ વધુ જૂનો હતો. આ પૂલ બનાવવાનો માલસામાન ઇંગ્લેન્ડથી મગાવવામાં આવ્યો હતો. એ સમયે એનો ખર્ચ રૂ. 3.50 લાખ આવ્યો હતો. જોકે હાલમાં એ પૂલના મરામતમાં રૂ. બે કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.