કુંડારિયાના પરિવારનાં 12નાં મોતઃ પૂલ દુર્ઘટનામાં વધતો મોતનો આંકડો

મોરબીઃ રાજ્યમાં મોરબી પૂલ અકસ્માતમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. અત્યાર સુધી 180થી વધુ મોત થયાં છે. આ ઝૂલતો પૂલ તૂટતાં 400થી વધુ લોકો નદીના પાણીમાં પડ્યા હતા. આ ગોઝારી દુર્ઘટનામાં સૌથી વધુ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ લોકોનાં મોત થયાં છે. વહીવટી અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં 600થી વધુ લોકોને પૂલ પર પ્રવેશવાની ટિકિટ આપવામાં આવી હતી. આ દુર્ઘટના સમયે 550 લોકો પૂલ પર હોવાનો અંદેશો છે. NDRF, SDRF એરફોર્સ અને નેવીની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. અત્યાર સુધીમાં 200થી વધુ લોકોને જીવ બચાવવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પૂલ દુર્ઘટનામાં ગુનેગારો વિરુદ્ધમાં IPC કલમ 304, 308, 114 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સાંસદ કુંડારિયાના પરિવારનાં 12નાં મોત

મોરબીની પૂલ દુર્ઘટનામાં રાજકોટના ભાજપના સાંસદ મોહનભાઈ કુંડારિયાના પરિવારના 12 સભ્યોનાં પણ મોત થયાં છે. મેં આ દુર્ઘટનામાં પરિવારના 12 સભ્યોને ગુમાવ્યા છે, જેમાં પાંચ બાળકો પણ સામેલ છે. મારી બહેન પણ પરિવાર સાથે હતી, એમ સાંસદે એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નદીમાં ફસાયેલા લોકોના મૃતદેહોને કાઢવાના પ્રયાસ જારી છે.

તેમણે જણાવ્યું હતું ક પૂલ ખોલવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી છે, એની તપાસ કરવામાં આવશે અને જવાબદાર લોકોને સજા કરવામાં આવશે. રવિવાર હોવાને લીધે પ્રવાસીઓની ભીડ વધુ હતી. આ દુર્ઘટનામાં પૂલ પડ્યા પછી બચાવ ઝુંબેશ રાત્રે પણ ચલાવવામાં આવી હતી. વડા પ્રધાન મોદીએ પણ સ્થિતિની સમીક્ષા કરી હતી.