નૃત્યાંગના ડો.સોનલ માનસિંહ દ્વારા રાજધાનીમાં ‘સ્ત્રી-દેશ’ નૃત્ય-નાટિકાની ભવ્ય રજૂઆત

નવી દિલ્હીઃ ‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિત્તે કાશ્મીરની દંતકથા સમાન ઐતિહાસિક મહિલાઓ વિષે દેશનાં સુપ્રસિદ્ધ નૃત્યાંગના ડો. સોનલ માનસિંહ દ્વારા ‘સ્ત્રી-દેશ’ શીર્ષકથી ભવ્ય નૃત્ય-નાટક હાલમાં જ રાજધાની નવી દિલ્હીમાં પ્રસ્તુત કરાયું.

મહાભારત કાળથી લઈને ૧૧મી સદી સુધી જમ્મુ-કાશ્મીરના ૫૦૦૦ વર્ષના ઇતિહાસમાં ભુલાવી દેવાયેલી એવી ૧૩ મહિલાઓ વિષે કે જેમાંની ૧૧ તો રાણીઓ હતી એવી યશોવતી, ઇશાન દેવી, વાકપુષ્ટા, સુગંધા રાણી, રાણી દિદ્દા, શ્રીલેખા, સિલ્લા, સૂર્યમતી, કાલ્હાનિકા અને અન્ય મહાન મહિલાઓના જીવનનું કલાત્મક નિરૂપણ કરવામાં આવ્યું હતું.

સંશોધક વિદ્વાન આશિષ કૌલે કરેલ દસ્તાવેજીકરણ પર આધારિત આ ભવ્ય શો ૨૭ ઑક્ટોબરની સાંજે કમાની ઑડિટોરિયમ ખાતે થયો જેને ચિક્કાર પ્રેક્ષકમેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. ભારત સરકારના વિદેશ બાબતો અને સંસ્કૃતિ મંત્રાલય રાજ્યમંત્રી મીનાક્ષી લેખી તરફથી આ કાર્યક્રમનું આયોજન થયું હતું.

રાજધાનીમાં ગુજરાતી સંસ્કૃતિનાં અગ્રણી ગૌરવવંત પદ્મવિભૂષણ ડો. સોનલ માનસિંહે સંસ્કૃતિ મંત્રાલય માટે આ નૃત્યનાટક રચ્યું અને તેનું દિગ્દર્શન કર્યું હતું. આઇજીએનસીએ તરફથી એમને આ અનોખું નિર્માણકાર્યનું સોંપાયું હતું. વિશાળ કલાકારવૃંદ દ્વારા ભજવાયેલ મંત્રમુગ્ધ કરતી રંગારંગ કલાકૃતિ માટે અભય રૂસ્તમ સોપુરીએ સંગીતરચના કરી હતી.

આ નૃત્યપ્રસ્તુતિમાં દર્શાવાયું કે મહિલા નેતૃત્વ ભારતીય સમાજની પ્રાચીન પરંપરાઓમાં જડાયેલું છે.

ભારતીય સમાજ, પરંપરાઓ, ઇતિહાસ તેમ જ સાંસ્કૃતિક વારસા વિશેની આ અત્યંત રોચક પ્રસ્તુતિએ બ્રિટન, બ્રાઝિલ, કોલંબિયા, નેધરલેન્ડ, જાપાન સહીત અનેક દેશોના રાજદ્વારીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.