PM મોદી જનતાને રૂ, 48,000 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને તેઓ ફરી એક વાર ગુજરાતીઓ માટે વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. તેઓ રૂ. 13,000 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. વડા પ્રધાન મોદી પોતાના ગુજરાત પ્રવાસમાં રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગના રૂ. 48,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

તેઓ દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓ વડોદરા, નવસારી, ભરૂચ, તાપી, વલસાડ, પંચમહાલ, સુરત, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, અને નર્મદામાં 10 વિવિધ વિભાગોના રૂ. 5400 કરોડથી વધુનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.આ જિલ્લાઓમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, માર્ગ અને મકાન, જળ સંસાધન અને જળ વિતરણ, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર વિભાગ, ગૃહ, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયનાં 55 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

દક્ષિણ ગુજરાતના વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસની આ લાંબી શ્રેણીમાં રેલવેના રૂ. 1100 કરોડથી વધુનાં વિકાસ કાર્યો પણ સામેલ છે. આ રેલવે પ્રોજેક્ટ્સથી દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓને ફાયદો થશે. વડા પ્રધાન દ્વારા જનતાને સમર્પિત થનારા વિકાસકાર્યોમાં તાપીના કાકરાપારમાં સ્થિત બે નવા  ન્યુક્લિયર પ્લાન્ટ્સનું ઉદ્ઘાટન એક મુખ્ય પ્રોજેક્ટ છે. 700 મેગાવોટની ક્ષમતા ધરાવતા આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ સ્વચ્છ અને સસ્ટેનેબલ ઊર્જાનો ઉપયોગ કરીને રાજ્યને શુદ્ધ ઝીરો કાર્બન ઉત્સર્જન પ્રાપ્તિની દિશામાં આગળ વધારશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરત મહાનગરપાલિકા, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ડ્રીમ સિટીના વિકાસકાર્યો મળીને રૂ. 5000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં રૂ. 3000 કરોડથી વધુના ખર્ચે 41 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત થશે અને રૂ. 2000 કરોડથી વધુના ખર્ચે 18 વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે.