વેરાવળથી રૂ. 350 કરોડનું હેરોઇન જપ્ત, નવની ધરપકડ

અમદાવાદઃ ગુજરાત પોલીસની સતર્કતા અને પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશને પગલે રૂ. 350 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા મળી છે. આ ઓપરેશનને SOG તેમ જ NDPS ની ટીમે ગીર સોમનાથના વેરાવળ બંદરથી રૂા. 350 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પોલીસ દ્વારા રેડમાં હેરોઇનના 50 કિલોના પેકેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

ગીર સોમનાથના વેરાવળ દરિયાઇ પટ્ટી પરથી રૂ. 350 કરોડનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. 50 કિલો હેરોઇન સાથે નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં તેમની પાસેથી એક સેટેલાઇટ ફોન, બે બોટ અને એક વાહન જપ્ત કરવામાં આવ્યાં છે.

વેરાવળ દરિયાઇ માર્ગથી ડિલિવરી પહેલાં પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ ઓપરેશન પાર પાડ્યું  છે. હેરોઇન ક્યાંથી આવ્યું અને કોને આપવાનું હતું એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે મુખ્ય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને કોઈ પણ પણ ચમરબંધીને નહીં બક્ષવામાં આવે.

ગીરસોમનાથમાં જે હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે, એમાં બોટમાલિકે જ માહિતી પોલીસને આપીને કરોડો રૂપિયાનો માલ જપ્ત કરાવ્યો છે. બોટમાલિક જિતુભાઇ કુહાડાને ખલાસીઓ પર શંકા જતાં તેમણે  પોલીસને માહિતી આપી હતી. છેલ્લાં બે વર્ષમાં રાજ્યની અલગ-અલગ એજન્સીઓએ રૂ. 5338 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે.