પૂર્વ ધારાસભ્ય રત્નાબાપાને મોદીએ કેમ ફોન કર્યો?

અમદાવાદ: વડાપ્રધાન મોદી આટલી વ્યસ્તતા વચ્ચે પણ પ્રેરણારુપ કામ કરનાર લોકોની પીઠ થાબડવાનું ચૂકતા નથી. આજે એમણે ગુજરાતના પૂર્વ ધારાસભ્ય રત્નાભાઈ ઠુમરને ફોન કરીને કોરોનાની બીમારી સામેની લડાઈમાં પોતાનો  સહયોગ આપવા બદલ હ્રદયપૂર્વક અભિનંદન આપ્યા હતા.

કારણ એ હતું કે આ પૂર્વ ધારસભ્યએ કોરોના સામેની લડાઈમાં પોતાના તરફથી ૫૧,૦૦૦ નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યો છે.

તેમના આ અભિગમને બિરદાવતા વડાપ્રધાને કહ્યું કે “આટ્લી જૈફ વય આપના જુસ્સાને હું બિરદાવું છું…આપના જેવા લોકોના કારણે જ આપણી સંસ્કાર પરંપરા ઉજળી બની છે, બાપા, આ ઉંમરે પણ આપ આટલું પ્રેરણારૂપ શ્રેષ્ઠ કામ કરો છો…આપને વંદન કરુ છુ… ખુબ ખુબ આભાર અને આપની તબિયતનું ધ્યાન રાખજો… હજી ઘણા વર્ષ જીવવાનું છે…

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢની કલેક્ટર કચેરીમાં પ્રવેશતા જ દરવાજે રહેલા ચોકીદારે દાદાના હાથમાં સેનેટાઇઝર આપતા પૂછયું, દાદા, કેટલા વરસ થયા? દાદાએ ધ્રુજતા અવાજે કહ્યું, ભાઈ 99મું ચાલે છે. ચોકીદારે પૂછ્યું , ‘કોઈ મદદ લેવા આવ્યા છો ?’ દાદાએ જુસ્સાભેર જવાબ આપતા કહ્યું કે…’ના ભાઈ કોઈ મદદ લેવા નથી આવ્યો. આપણો દેશ અત્યારે ઉપાધિમાંથી પસાર થઈ રહ્યો છે એટલે મારી મરણમૂડી મુખ્યમંત્રી રાહતફંડમાં આપવા આવ્યો છું. મારી પાસે અંગત બચતની થોડી રકમ પડી હતી તેમાંથી 51000નો ચેક કલેક્ટર સાહેબને આપવા આવ્યો છું…’

આ વૃધ્ધ એટલે રત્નાભાઇ ઠુમર. આજે એ 99 વર્ષના છે અને 1975થી 1980ના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રત્નાબાપાએ ધારાસભ્ય તરીકે પોતાનો પગાર પણ નથી લીધો અને પેન્શન પણ નથી લીધું. ધારાસભ્ય હતા ત્યારે પણ સરકારી બસમાં જ સામાન્ય મુસાફર તરીકે મુસાફરી કરી છે. ભારતમાં જ્યારે અનાજની તંગી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ભારતના લોકોને અઠવાડિયામાં એક દિવસ એક ટંકનું ભોજન છોડવા માટે કરેલી અપીલના પગલે રત્નાબાપાએ ત્યારથી દર સોમવારે એક ટંક જમવાનું છોડી દીધું છે જે નિયમ 99 વર્ષની જૈફ વયે તૂટવા નથી દીધો.