અમદાવાદઃ ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયાએ ફાર્મા શિક્ષણ તેમજ ફાર્મસીના વ્યવસાયની ઝડપથી પ્રગતિ થાય તેના માટે ફાર્મસી શિક્ષણમાં મોટાપાયે ફેરફારો કરવાની યોજના ઘડી છે. ડિજિટલ ઈન્ડિયાના યુગમાં પદાર્પણ કરીને આગામી વર્ષથી ફાર્મસી શિક્ષણની તમામ બાબતો ઓનલાઈન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કાઉન્સિલના રાષ્ટ્રીય પ્રમુખ બી.સુરેશે આ માહિતી આપી હતી.ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ચાંદખેડા કેમ્પસમાં ફાર્મસી કૉલેજોના આચાર્યો- ડિરેક્ટરો તેમ જ મેડિકલ સ્ટોરના સંગઠનોના પ્રતિનિધિઓ તથા ફાર્માઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને ચર્ચાવિચારણા કરાઇ હતી. જેમાં ફાર્મસી શિક્ષણ તથા ફાર્માસીસ્ટોની સમસ્યાઓ અને પડકારો વિશે વિચારવિમર્શ થયો હતો. બી સુરેશે જણાવ્યું કે કાઉન્સિલ ફક્ત રેગ્યુલેટરની ભૂમિકા ભજવવા ઉપરાંત ફાર્મસી શિક્ષણ તેમજ ફાર્માસીસ્ટોના કલ્યાણ માટે પણ પગલાં લેશે. અલબત્ત ઈન્સ્પેક્શનો અને મંજૂરીની પ્રક્રિયાઓ યથાવત્ રખાશે.
ફાર્મસી શિક્ષણમાં ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા ડેટા અપલોડ અને વેરીફિકેશનનું કાર્ય ચાલી રહ્યું છે. આગામી વર્ષથી ફાર્મસી શિક્ષણને લગતી તમામ બાબતો ઓનલાઈન થઈ જશે. વિદ્યાર્થીઓના એડમિશનથી માંડીને તમામ બાબતોને આમાં આવરી લેવાશે. ફાર્મા શૈક્ષણિક સંસ્થાઓના ફેકલ્ટી મેમ્બરોને ખાસ નંબર ફાળવવામાં આવશે, જે પાસપોર્ટ સમાન બની રહેશે. કોઈ પ્રોફેસર સંસ્થા બદલે તો તેની માહિતીમાં મામૂલી પરિવર્તન કરવાથી તમામ જાણકારીમાં ઓટોમેટિક ઓનલાઈન ફેરફારો થઈ જાય એવી વ્યવસ્થા કરવામાં આવશે.
નવા વિષયોમાં થ્રી-ડી પ્રિન્ટીંગ અને નેનો ટેકનોલોજી જેવા લેટેસ્ટ વિષયોને આવરી લેવાશે. નેશનલ સ્કૂલ ઑફ ફાર્મસીના કેન્દ્રો શરૂ કરવા વિચારણા કરાશે. હૉસ્પિટલોમાં ઉપયોગી બને એવા ફાર્મ.ડી. કોર્સને માન્યતા આપવા કાઉન્સિલે આરોગ્ય મંત્રાલય સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.