ગુજરાતમાં TB ના 1.80 લાખ સંભવિત દર્દીઓ, વિશ્વ ક્ષય દિવસે બહાર આવ્યો આંકડો

ગાંધીનગર- વિશ્વ ક્ષય દિવસના સંદર્ભે યોજાયેલા એક કાર્યક્રમમાં નાયબ સીએમ નિતીન પટેલે ભરોસો જતાવ્યો હતો કે વર્ષ ૨૦૨૫માં ક્ષયમુક્ત ભારત નિર્માણમાં ગુજરાત અગ્રીમ ભૂમિકા અદા કરીને તે પહેલાં ક્ષય મુક્ત ગુજરાત બનશે. તેમણે જણાવ્યું કે ક્ષય નિવારણ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ વ્યક્તિદીઠ રૂ. ૧૮ લાખની દવા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. ગુજરાતમાં ટીબીના ૧.૪૬ લાખ દર્દીઓ નોંધાયા છે, અને સંભવિત ૧.૮૦ લાખ છે તે તમામને શોધીને ઘેરઘેર જઈ સારવાર આપશે તો ચોક્કસ ગુજરાત વર્ષ ૨૦૨૫ પહેલાં ટી.બી. મુક્ત ગુજરાત બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

રાજ્યમાં જે ૧.૪૬ બાળ દર્દીઓ શોધી કઢાયાં છે તેમાં મુખ્યત્વે અમદાવાદ શહેર, દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાં સંખ્યા વધુ જોવા મળી છે ત્યાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે. રીપોર્ટ મુજબ ટીબી નાબૂદી સારવારમાં ગુજરાતે ૮૯ ટકા સિદ્ધિ હાંસલ કરી છે.

ટીબીના કારણે સૌથી વધુ મૃત્યુ નોંધાય છે ત્યારે જનજાગૃતિની જરુરત પર ભાર મૂકવામાં આવ્યો હતો. રુલ ૧.૪૬ લાખ ટીબી દર્દીઓ છે તેમાં પ્રતિ વર્ષ ૪૫૮૭ દર્દીઓના મોત નીપજે છે.

રાજ્યમાં ટીબી રોગને નાબૂદ કરવાની શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારી, ખાનગી અને એનજીઓ.ના ડોકટર્સ અને આરોગ્ય કાર્યકરોનું નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે સ્મૃતિ ચિહ્ન આપી તેમની કામગીરી બિરદાવી હતી. ટીબી રોગને નિયંત્રિત કરવામાં ઉપયોગી ટેબ્લેટ્સ ઉપરાંત મોબાઈલ ફોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સગર્ભા માતાઓ અને બાળકોના આરોગ્યની માહિતી માટે અગત્યની Techo (ટેકો) મોબાઈલ એપ – ટેકો પ્રોજેક્ટને મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં પ્રાથમિક તબક્કે  લોન્ચ કરવામાં આવ્યો હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]