અમદાવાદઃ રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં વિઝા છેતરપિંડીને લગતી 139 ફરિયાદો કરવામાં આવી છે, જેમાં લોકોએ રૂ. 74 લાખ ગુમાવ્યા છે. વિઝાને નામે છેતરપિંડી કરનારા 114 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને 139 ઠગો હજી પણ ફરાર છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારે પૂછેલા સવાલના જવાબમાં રાજ્ય સરકાર તરફથી આ જવાબ આપવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું હતું કે 2022-23માં વિઝા છેતરપિંડીના કેસમાં 29 ટકાનો વધારો થઈને સંખ્યા 62એ પહોંચી હતી. તેની સરખામણીમાં વર્ષ 2021-22માં 48 કેસો નોંધાયા હતા.
સરકારે આપેલા ડેટા અનુસાર 2020-21ની સરખામણીમાં 2022-23માં વિઝા છેતરપિંડીના કેસોમાં 113 ટકાનો ઉછાળો આવ્યો છે. 2020-21માં ફક્ત 29 કેસ નોંધાયા હતા. એપ્રિલ 2020-21 અને માર્ચ 2022-23 વચ્ચે વડોદરા શહેરમાં 31 કેસ નોંધાયા હતા, જે સૌથી વધુ છે. જ્યારે 26 વિઝા છેતરપિંડ કેસ સાથે અમદાવાદ બીજા ક્રમે છે.
રાજ્યમાં વિઝા છેતરપિંડીની 139 FIR નોંધાઈ છે જેમાં કુલ 74.15 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. જોકે તેમાંથી રૂ. 41.14 લાખ રિકવર થયા છે. 45 ટકા જેટલી રકમ રિકવર થઈ હોવાનું ડેટામાં ટાંકવામાં આવ્યું છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર રિકવરનું પ્રમાણ ઓછું છે, કારણ કે 139 આરોપીઓ હજી પણ ફરાર છે.
અમદાવાદ શહેરના એક સિનિયર અધિકારીનું કહેવું છે કે, આવા કેસોમાંથી 70 ટકા કિસ્સામાં યુએસ કે કેનેડામાં જોબ કે વર્ક પરમિટ અપાવવાની લાલચ આપીને યુવાનોને ઠગવામાં આવે છે. બાકીના 20 ટકા છેતરપિંડી એજ્યુકેશન વિઝાને લગતા છે અને 10 ટકા કેસ વિઝિટર વિઝા સાથે સંકળાયેલા છે.