ગાંધીનગરઃ કર્ણાટકના બેંગલુરુના ઉમેશ ગોપીનાથ જાદવની દેશભક્તિ કંઈક જુદા જ પ્રકારની છે. પુલવામા હુમલામાં દેશના જવાનો શહીદ થયા એટલે ઉમેશનું હ્રદય દ્રવી ઊઠ્યું. તેને થયું દેશના જવાનોને સોશિયલ મિડિયા પર શ્રદ્ધાંજલિ આપીએ એની સાથે કંઈક અનોખી રીતે યાદગીરી ઊભી કરીએ, એટલે ઉમેશ જાદવ નવેમ્બર, 2019 માં બેંગલુરુમાંથી પરિવારની સંમતિ સાથે શહીદોના ઘરની મુલાકાતે નીકળી પડ્યા. શહીદોના પરિવારોને મળ્યા પછી તેમના ઘરઆંગણાંની માટી લેવાનું શરૂ કર્યું. તેમણે તૈયાર કરેલી એક અનોખી કારના પાછળના ભાગે માટી કળશ એકઠા કર્યા હજારો કિલોમીટરનો પ્રવાસ કરી શહીદોના ઘર પાસેથી એકઠી કરેલી માટીનું પરવાનગી લઈ પુલવામામાં સ્મારક પણ તૈયાર કર્યું.
ગાંધીનગર ચિલોડા પાસેની એક હોટેલના સંચાલક આર્યન ચૌધરી ચિત્રલેખા. કોમને કહે છે ગુજરાતમાં ઉમેશભાઈ એ ઋષિકેશ રામાણી, કેપ્ટન નીલેશ સોની જેવા શહીદોના પરિવારોના આંગણેથી માટી લીધી હતી. પોતાના માટે કોઈ પણ ફાળો ઉઘરાવતા નથી, પરંતુ કોઈ રહેવાની સગવડ કરે કે યાત્રામાં સ્થાનિક મદદ સ્વીકારે છે.
કેપ્ટન નીલેશ સોનીના પરિવારના જગદીશ સોની કહે છે ઉમેશ જાદવ ખરેખર કંઈક જુદા જ અંદાજમાં શહીદોને યાદ કરી દેશભક્તિ કરી રહ્યા છે. કોરોનાના કપરા સમયમાં અમદાવાદ આવી અમારા આંગણેથી માટી લઈ ગયા હતા.
બેંગલુરુના ઉમેશ જાદવ તાજેતરમાં ગાંધીનગર પહોંચ્યા ત્યારે ચિલોડાની હોટલમાં રોકાયા એ વેળાએ તેમની અનોખી ગાડીમાં કેવી રીતે શહીદોના માટી કળશ એકઠા કરે છે એ વિશે સૌને માહિતગાર કર્યા. દેશના શહીદો સુરક્ષા દળોના જવાનો પ્રત્યે અનોખો પ્રેમ જોઈ સૌકૌઈ અચંબિત થયા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ)