અમદાવાદઃ ખોડલધામના મનેજિંગ ટ્રસ્ટી ને પાટીદારના વગદાર નેતા નરેશ પટેલ આજે કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીને મળે એવી શક્યતા છે, એમ સૂત્રોએ કહ્યું હતું. આ પહેલાં ગુરુવારે કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ રઘુ શર્માની આગેવાનીમાં ખોડલધામના મેનેજિંગ ટ્રસ્ટી અને લેઉવા પટેલના વગદાર નેતા નરેશ પટેલને મળ્યું હતું. પાર્ટીના નેતાઓએ દાવો કર્યો હતો કે આ એક કર્ટસી મીટિંગ હતી, પણ સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે શર્માએ પટેલને કોંગ્રેસમાં જોડાવાના ઇજન આપ્યું હતું. જોકે નરેશ પટેલે એનો તત્કાળ ખૂલીને ઉત્તર નહોતો આપ્યો.
કોંગ્રેસના નેતાઓની નરેશ પટેલ સાથેની મુલાકાત હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ યોજવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા, ચિંતન શિબિરમાં સૌરાષ્ટ્રના ઝોનના નેતાઓ કે જેઓ હાલ રાજકોટમાં છે, તેમણે નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી અને તેમએ દાવો કર્યો હતો કે આ મિટિંગ હકારાત્મક રહી હતી.
આ મિટિંગ બાદ ઠાકોર અને ધાનાણીએ કહ્યું હતું કે આ એક ઔપચારિક મીટિંગ હતી, પણ સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ શર્માએ પટેલને પાર્ટીમાં જોડાવા માટે આહેવાન કર્યું હતું. આ ઉપરાંત શર્માએ પટેલને વિશ્વાસ અપાવ્યો હતો કે રાજ્યની વિધાનસભાની ચૂંટણી તમારા નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અને તમારી ઘડેલી ચૂંટણીની વ્યૂહરચના મુજબ લડવામાં આવશે. જોકે સામે પક્ષે પટેલ શું કરવા ધારે એ જોવું રહ્યું.