રાજકોટ: ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિપ્પણીને લઈને છેલ્લા એક મહિનાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રૂપાલા સામેના આંદોલનમાં આજથી પાર્ટ 2 શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ સહિત વિવિધ શહેરોમાંથી આજે 7 ક્ષત્રિય અસ્મિતા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ રથને સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓની હાજરી સાથે જુદા-જુદા વિસ્તારોમાં રવાના કરવામાં આવ્યા હતા.
રાજકોટમાં પેલેસ રોડ ઉપર આવેલા આશાપુરા માતાજીના મંદિરેથી આજે સવારે માતાજીના આશીર્વાદ લઈને આ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં શક્તિ માતાજીના મંદિરેથી, કચ્છમાં આશાપુરા માતાજીના મંદિરેથી, જામનગર વિસ્તાર માટે દ્વારકા જગદગુરુ શંકરાચાર્ય પીઠથી અને બહુચરાજી, અંબાજી મંદિર સહિત ગુજરાતમાં 7 સ્થળેથી રથને કંકુ તિલક કરીને રવાના કરવામાં આવ્યા હતા.
રાજકોટમાં અસ્મિતા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. ત્યારે સંકલન સમિતિના અગ્રણી પી. ટી.જાડેજા એ જણાવ્યું હતું કે “આ રથ ગુજરાતની 26 લોકસભા મત વિસ્તારમાં ફરશે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા જન જાગૃતિ લાવશે. ક્ષત્રિયોમાં કોઈ ભાગલા પડવાના પ્રયાસો કરાશે તો તેઓ સફળ થશે નહીં. ક્ષત્રિયોના અવાજને કોઈ પણ દબાવી શકશે નહિં. અમારી માગણી રૂપાલાની ટિકિટ રાજકોટથી રદ થાય તે એક જ હતી પરંતુ ભાજપે તે સ્વીકારી નથી એટલે ક્ષત્રિયોને તેમની અસ્મિતા બચાવવા આંદોલનને યથાવત્ રાખવું પડ્યું છે. જ્ય ભવાનીના નારા સાથે રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. શહેરો અને ગામડાઓમાં આ રથ ફરશે.
(દેવેન્દ્ર જાની, રાજકોટ)
(તસવીરો, નીશુ કાચા)