અમદાવાદ– સીબીએસઇ બોર્ડના ધો.10ના ગણિત અને ધો.12ના અર્થશાસ્ત્ર પેપર લીકના બનાવથી દેશભરમાં ભારે આક્રોશની સ્થિતિ છે. ખંતીલા વિદ્યાર્થીઓએ આખા વર્ષ દરમિયાન કરેલી મહેનત પર પાણી ફેરવી નિરાશા ઊભી કરી આપતી આવી ઘટના સામે સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય બળતાંમાં ઘી હોમે તેવો છે.સીબીએસઇ બોર્ડ દ્વારા લીક થયેલાં બંને પેપરની પુનઃપરીક્ષા લેવાનો નિર્ણય થયો તેની સામે વિદ્યાર્થીઓ વાલીઓમાં વિભિન્ન પ્રતિક્રિયાઓ ઊઠી છે તેનો પડઘો પાડતાં હોય તેમ ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું નિવેદન સામે આવ્યું છે કે પેપર લીકની ઘટના દિલ્હીમાં બની છે તો આખા દેશના વિદ્યાર્થીઓ પુનઃપરીક્ષા શા માટે આપે?
સીબીએસઇ બોર્ડની પરીક્ષાની તારીખો સાથે વાલીઓ પણ વેકેશન પ્લાનિંગ કરીને ફરવા જવા માટે એરટિકીટ- રેલવે ટિકીટ બૂક કરાવી લેતાં હોય છે. આવા ઘણાં પરિવાર છે જેઓને આ કારણે ટિકીટો કેન્સલ કરાવીને આર્થિક નુકસાન અને માનસિક ઉદ્વેગ અનુભવવાનો વારો આવ્યો છે.
દરમિયાન સીબીએસઇ બોર્ડ દ્વારા આજે અથવા કાલ સુધીમાં પુનઃપરીક્ષાની તારીખો જાહેર થવાની સંભાવના છે ત્યાં ગુજરાતના શિક્ષણપ્રધાનના નિવેદનને લઇને વાલીઓ-વિદ્યાર્થીઓમાં આશાનું કિરણ જાગ્યું છે કે પેપર લીકનો ભોગ ન બનેલા રીજયનમાં પુનઃપરીક્ષાનો બોજ નાંખવામાં ન આવે.