અમદાવાદઃ રાજ્ય સરકારે ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના ઉત્પાદન માટે રૂ. 40,000 કરોડના મૂડીરોકાણની સમજૂતી પર ગઈ કાલે ઓસિયોર એનર્જી ઇન્ડિયા પ્રા. લિ.ની સાથે સમજૂતી કરાર કર્યા હતા.રાજ્ય સરકારની એક જાહેરાતમાં આ સમજૂતી કરાર –MoU પર હસ્તાક્ષરની માહિતી આપવામાં આવી હતી. એ અનુસાર મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક સમજૂતી કરાર થયા હતા.
આ સમજૂતી હેઠળ ઓસિયોર એનર્જી ગુજરાતના કચ્છ જિલ્લામાં પ્રતિ વર્ષ 10 લાખ ટન ગ્રીન હાઇડ્રોજન અને એમોનિયાનું ઉત્પાદન કરવા માટે રૂ. 40,000 કરોડનું મૂડીરોકાણ કરશે. આ પ્રોજેક્ટ વર્ષ 2030 સુધીમાં બે તબક્કામાં પૂરો થશે. એનાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10,400 રોજગારી પેદા થવાની અપેક્ષા છે.
સંયુક્ત આરબ અમિરાતના અબુધાબીના ગ્લોબલ માર્કેટમાં શરૂ થયેલી ઓસિયોર ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના ક્ષેત્રની મુખ્ય કંપની છે. એનું લક્ષ્ય ભારત, પશ્ચિમ એશિયા અને ઉત્તરી આફ્રિકામાં ચાર ગિગાવોટની ક્ષમતાવાળી ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા પ્રોજેક્ટનો વિકાસ કરવાનો છે.
