અમદાવાદઃ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી (GCSC) અને ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા 28મી ફેબ્રુઆરીથી 4થી માર્ચ દરમિયાન ગુજરાત સાયન્સ સિટીમાં પાંચ દિવસીય સાયન્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વૈજ્ઞાનિક સંસ્થાઓ, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, રાજ્ય અને દેશના નામાંકિત વૈજ્ઞાનિકો અને શિક્ષકો સાથે સંકળાયેલી શ્રેણીબદ્ધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો સાથે, વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભિગમ તરફ વાળવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે આ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સાયન્સ કાર્નિવલ અંતર્ગત પહેલી અને બીજી માર્ચે ગૂગલ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને ડિજિટલ પ્લેટફોર્મ પર જવાબદાર બનાવવા અને સુરક્ષા વિશે સમજાવવા માટે ‘Be Internet Awesome’ ખાસ આ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.
ઇન્ટરનેટ સુરક્ષાની વર્કશોપમાં વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમોના ઉપયોગ વિષે મૂળભૂત બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા. ગેમ અને વિવિધ પ્રવૃતિઓ દ્વારા બાળકોને જરૂરી બાબતો જેમ કે ઓનલાઇન ફ્રોડ, વ્યક્તિગત માહિતીની સુરક્ષા, ચપળ, સજાગ અને હોશિયાર રહેવા અને જવાબદારીભર્યા ઉપયોગ વિશે સમજ આપવામાં આવી હતી.