શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાના સ્થાન અંગે પરિસંવાદ યોજાશે

 અમદાવાદઃ અચલા એજ્યુકેશન ટ્રસ્ટ દર વર્ષે શહેરમાં શૈક્ષણિક સેમિનાર, પરિસંવાદ, શિક્ષણ માટેના ચિંતનની શિબિરનું આયોજન કરે છે. આ વર્ષે પણ 19 માર્ચે દિનેશ હોલ, આશ્રમ રોડ, અમદાવાદમાં  ‘અચલા’ દ્વારા ‘ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન’ વિષય પર પરિસંવાદ થશે. આ  કાર્યક્રમના દ્વિતીય સત્રમાં સારસ્વત સન્માન તથા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ યોજાશે.

અચલા સાથે જોડાયેલા દધિચિ ઠાકર ચિત્રલેખા. કોમને કહે છે કે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને તંત્રી મફતભાઈ પટેલ અધ્યાપક તરીકે નિવૃત્ત થયા, પણ જાહેર ક્ષેત્ર, સેવાની પ્રવૃત્તિઓ, શિક્ષણ ક્ષેત્રનાં કાર્યો સતત ચાલુ રાખ્યાં. શિક્ષણ, શિક્ષકોની બાબતો અને સમસ્યાઓને સતત વાચા આપવા પ્રયત્નશીલ રહ્યા. અચલા દ્વારા શિક્ષણને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાએ શિક્ષણ ઉપરાંત કંઈક જુદું સમાજલક્ષી કાર્ય કરતા શિક્ષકોને સન્માનવામાં આવે છે.

આ વર્ષે પણ ‘ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન  વિષય પર પરિસંવાદ યોજાશે જેનું ઉદઘાટન ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરને હસ્તે કરવામાં આવશે. આ ઉદઘાટન સત્રમાં જાણીતી સંસ્થા SGVP ગુરુકુળના માધવપ્રિયદાસજી ઉપસ્થિત રહી આશીર્વચન આપશે. લોકભારતી સણોસરાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. અરુણભાઈ દવે ચર્ચા સત્રમાં વક્તવ્ય આપશે. કાર્યક્રમના વિરામ બાદ એટલે કે દ્વિતીય સત્રમાં વરિષ્ઠ લેખિકા, વક્તા અને અભ્યાસુ ચિંતક જ્યોતિબહેન થાનકી વક્તવ્ય આપશે. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ, વક્તા, લેખક ભાગ્યેશભાઈ જહા વક્તવ્ય આપશે. ત્યાર બાદ સભાનું સંચાલન જી.સી.ઈ.આર.ટી.ના પૂર્વ ડિરેક્ટર નલિન પંડિત કરશે.

દધિચિ ઠાકર વધુમાં કહે છે, આ કાર્યક્રમની સાંજે સારસ્વત અને શિક્ષકોનું સન્માન થશે. આજીવન ભેખધારી સારસ્વત એવોર્ડને શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે આપવામાં આવશે. દર વર્ષની જેમ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહેરીજીની કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ હશે.

આ પરિસંવાદ અને એવોર્ડ એનાયત કાર્યક્રમમાં શિક્ષકો, તજજ્ઞોની સાથે અચલા સંસ્થાના ટ્રસ્ટીઓ ડો. મફતભાઈ પટેલ,  ડો. સંજયભાઈ પટેલ અને શ્રીમતી અનારબહેન પટેલ ઉપસ્થિત રહેશે.

(પ્રજ્ઞેશ વ્યાસ)