અંબાજીમાં પ્રસાદનો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચે એવી શક્યતા

અંબાજીઃ યાત્રાધામ અંબાજી મંદિરમાં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના ટ્રસ્ટના નિર્ણય સામે લોકોમાં ભારે નારાજગી છે  વળી, મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિકીનો પ્રસાદ આપવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવતાં ભક્તોમાં ભક્તોમાં વિરોધ થઈ રહ્યો છે. મંદિરના તંત્ર દ્વારા વર્ષો જૂની પરંપરાનો અંત લાવીને ચિકીના પ્રસાદ માટે અમૂલ અને બનાસ ડેરી સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે. જે બાદ ભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હોવાથી તેમણે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. જોકે આ પ્રસાદનો વિવાદ હાઇકોર્ટ પહોંચે એવી શક્યતા છે. પાલનપુર વકીલ મંડળે હાઇકોર્ટમાં પિટિશન કરવાની તૈયારી કરી લીધી છે.

અંબાજી મંદિરમાં વર્ષોથી મોહનથાળનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે. ત્યારે મંદિરના ટ્રસ્ટ દ્વારા પ્રસાદમાં અપાતો મોહનથાળ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદ્દે હિન્દુ હિત રક્ષા સમિતિએ ભૂખ હડતાળની પણ ચીમકી આપી છે. સાથે જ ગ્રામજનોએ અંબાજી બંધ પાળવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. 48 કલાકમાં મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવાની માગ કરવામાં આવી છે. જો 48 કલાકમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એટલું જ નહીં મોહનથાળનો પ્રસાદ ચાલુ નહીં થાય તો ગામને બંધ રાખવાની અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

બીજી તરફ, મોહનથાળનો પ્રસાદ બનાવતા લોકોનું કહેવું છે કે આ નિર્ણય બાદ મોહનથાળનો પ્રસાદ બનાવતા કારીગરો પણ બેરોજગાર બની જશે અને આવકનું સાધન છીનવાઈ જશે. સ્થાનિકોનું કહેવું છે કે પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં છેલ્લાં પચાસ વર્ષથી માતા અંબાને મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને પછી ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે.