આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. 8 માર્ચના મહિલા દિવસે પ્રધાનમંત્રી ગુજરાતી ધરા પર છે, ત્યારે PM દ્વારા મહિલાઓ ભેટ પણ આપવામાં આવી છે. નવસારીમાં લખપતિ દીદીના કાર્યક્રમમાં આજે પીએમ મોદીની સુરક્ષા મહિલા પોલીસ સંભાળી રહી છે. વિશ્વ મહિલા દિવસ પર 2.5 લાખ મહિલાઓને 450થી વધુ કરોડની સહાય કરવામાં આવશે. લખપતિદીદી યોજના મહિલાઓને આત્મનિર્ભર કરવાની પહેલ છે. મહિલા આત્મનિર્ભર બની ઘર અને પરિવારની જવાબદારી સંભાળી શકે. 15 ઓગસ્ટ 2023ના રોજ લખપતિ દીદી યોજનાની શરૂઆત થઈ.
સી.આર.પાટીલે પોતાના સંબોધનમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓમાં રહેલ શક્તિને ઓળખી યોગ્ય સમ્માન આપ્યું છે. આજે ઉપસ્થિત થયેલ લાખો બહેનો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તમામ બહેનોએ પોતાના ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે. આજે વિશ્વ મહિલા દિવસે વડાપ્રધાનની સુરક્ષા મહિલાઓ કરી રહે છે તે મહિલાઓની શક્તિમાં રહેલો તેમના વિશ્વાસને જ આભારી છે. મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતની સાથે ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે નવસારીના આજના કાર્યક્રમમાં લખપતિ દીદી યોજના હેઠળ ભાવનાબહેન, સુષ્માબહેન શાંતિલાલ રાઠવા, દક્ષાબહેન કાશીરામભાઈ, શોરઠીયા શ્રદ્ધાબહેન કેયુરભાઈ, પન્નાબેન હેમંતભાઈ પટેલનું સમ્માન કર્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે પોતાના સંબોધનમાં કહ્યું કે “PM મોદીની પ્રેરણાથી જ 26મી જાન્યુઆરીની પરેડમાં પણ હવે મહિલાઓને પ્રતિનિધિત્વ અપાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. દિકરીઓ લખપતિ બની અને ઘર પરિવારનો આધાર બની. લખપતિ દિદી યોજનાથી બહેનો આયોજન બદ્ધ રીતે આગળ વધી રહી છે. સમગ્ર ગુજરાતમાં 1 લાખથી વધુ મહિલાઓ લખપતિ દીદી છે. સ્વસહાયતા સમૂહ સાથે જોડાયેલ મહિલા વધુ સશક્ત બની છે.
