બિનસચિવાલય પરીક્ષા મામલોઃ NSUI દ્વારા આજે રાજ્યભરની કોલેજોમાં બંધનું એલાન

અમદાવાદ :બિનસચિવાલય પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે ચાલુ થયેલું આંદોલન એક પ્રકારે હવે રાજકીય રંગ પકડવા લાગ્યું છે. ગોપાલ ઇટાલિયા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતનાં નેતાઓ હવે આંદોલનમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસના ધારાસભ્યો પણ હવે આંદોલન સ્થળે બેસી વિરોધ કરી રહ્યા છે. ગાંધીનગરનાં સ્થાનિક કોંગ્રેસી આગેવાનો પણ ધીરે ધીરે એકત્ર થવા લાગ્યા છે. જેથી એક તબક્કા સાવ તુટી ચૂકેલું લાગતું આંદોલન ફરીથી જામવા લાગ્યું છે. વિદ્યાર્થીઓ ફરી એકવાર એકત્ર થવા લાગ્યા છે.

અનેક વિદ્યાર્થીઓએ પ્રતીક ઉપવાસ શરૂ કરી દીધા છે. આ વિદ્યાર્થીઓને હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ ટેકો પણ જાહેર કર્યો છે. તેઓ હવે પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે ફરી એકવાર ધરણા પર બેસી ગયા છે. આ ઉપરાંત તમામ વિદ્યાર્થીઓને 9 ડિસેમ્બરે વિધાનસભા કૂચ કરવા માટેનું પણ આવહાન કર્યું છે. તો બીજી તરફ, NSUIએ આજે રાજ્યભરની કોલેજો બંધનું એલાન કર્યું છે. બિનસચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ સાથે NSUIએ બંધના એલાનની જાહેરાત કરી છે. જેને લઈને હવે તમામ કાર્યકરો રાજ્યભરમાં કોલેજોને બંધ કરાવવા નીકળી પડ્યા છે. તો અનેક કોલેજોએ હોબાળો ન થાય તે ડરથી અગાઉથી શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું છે.

ગાંધીનગરમાં ચાલતા વિદ્યાર્થીઓ આંદોલનનો આજે ચોથો દિવસ છે. આંદોલનમાં કોંગ્રેસ પાંચ ધારાસભ્યો અને વિદ્યાર્થીઓ સાથે જોડાશે. ત્યારે વિદ્યાર્થીઓની એક જ માગ છે કે, બિન સચિવાલય ક્લર્કની પરીક્ષા રદ કરો. ત્યારે આ આંદોલનમાં NSUIએ રાજ્યભરની કોલેજ બંધના એલાનની જાહેરાત કરી છે. ત્યારે NSUIના કાર્યકર્તાઓ એક બાદ એક કોલેજ બંધ કરવા પહોંચી રહ્યા છે, અને શૈક્ષણિક કાર્ય બંધ કરાવી રહ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]