‘હું મૈં, સલમાન કી ચમચી, ક્યા કરલોગે?’ સોનાક્ષીએ મજાક ઉડાવનારાઓને વળતું પરખાવ્યું

મુંબઈ – સોનાક્ષી સિન્હા ગણતરી બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાં કદાચ કરાતી નથી. વળી, અવારનવાર એ સોશિયલ મિડિયા પર ટ્રોલનો શિકાર પણ બનતી હોય છે. થોડા વખત પહેલાં ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં રામાયણ વિશેના એક સવાલના એણે આપેલા જવાબની પણ ટ્વિટર યૂઝર્સ દ્વારા ખૂબ ટીકા કરવામાં આવી હતી.

હાલમાં જ એક વાર્તાલાપ દરમિયાન એને પૂછવામાં આવ્યું હતું કે સોશિયલ મિડિયા પર તારી ટીકા કરતા સંદેશાઓ વાંચીને તને કેવું લાગે છે? ત્યારે એણે જવાબ આપ્યો હતો કે ‘હું એની પરવા કરતી નથી.’

એક ટ્વિટર યૂઝરે એમ લખ્યું હતું કે, ‘હું સોનાક્ષીને એટલી બધી ધિક્કારું છું કે મને ડર લાગે છે કે ક્યાંક હું મારી ટીવી તોડી નાખીશ.’

આમ છતાં સોનાક્ષીએ આવી ટીકાઓને ગંભીરતાથી લીધી નથી.

એક કમેન્ટમાં વળી એક જણે એવું લખ્યું છે કે, ‘સોનાક્ષી તો સલમાન ખાનની સૌથી મોટી ચમચી છે.’

આનો સોનાક્ષીએ વળતો જડબાતોડ જવાબ આપ્યો છે. એણે કહ્યું, ‘હા ખરું છે. એણે મને કારકિર્દીની પહેલી જ ફિલ્મમાં ચમકાવી હતી… હું (ચમચી) છું, શું કરી લઈશ? (હું મૈં, ક્યા કરલોગે?)’.

સોનાક્ષી હાલ એની ‘દબંગ 3’ ફિલ્મની રિલીઝની તૈયારીમાં વ્યસ્ત છે. એમાં તે ફરી રજ્જોનાં રોલમાં જોવા મળશે.

પ્રભુદેવા દિગ્દર્શિત ‘દબંગ 3’માં સઈ માંજરેકર બોલીવૂડમાં એન્ટ્રી કરશે. સઈ જાણીતા ચરિત્ર અભિનેતા મહેશ માંજરેકરની પુત્રી છે.

આ ફિલ્મમાં સ્વ. અભિનેતા વિનોદ ખન્નાના ભાઈ પ્રમોદ ખન્ના પણ જોવા મળશે, જેઓ ચુલબુલ પાંડે (સલમાન ખાન)ના પિતાનો રોલ કરી રહ્યા છે.

ફિલ્મમાં કિચ્ચા સુદીપ ખલનાયકની ભૂમિકામાં છે. ફિલ્મ આવતી 20 ડિસેંબરે રિલીઝ થવાની છે.