હવે આ મહિલાઓ યુરોપની સડકો પર ચલાવશે ટ્રક !

પુરુષ પ્રધાન સમાજમાં અને પુરૂષોનું એક હથ્થુ શાસન હોય એવા વ્યવસાયમાં મહિલા પ્રવેશે ત્યારે સહજતા જ વિચાર આવે કે, આમાં વળી મહિલાઓ શું કાંદા ઉખાડશે. જો કે અહીં વાત મહિલા અને પુરુષની સમાનતાની નહીં એક એવી સિદ્ધિની કરવાની છે જેના પર ગુજરાતની દરેક મહિલાને ગર્વ થાય. વાત છે એવી મહિલાઓની જે યુરોપની સડકો પર ટ્રક ચલાવશે.

‘ડ્રાઇવર બેન એક નઈ પહેચાન’

જનવિકાસ ટ્રસ્ટ અને આઝાદ ફાઉન્ડેશન દિલ્હીના સંયુક્ત પ્રયાસથી 2016માં ‘ડ્રાઇવર બેન એક નઈ પહેચાન’ નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. જે અંતર્ગત મહિલાઓને સ્વમાનભેર જીવન જીવવા અને રોજીરોટી માટે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચલાવવાની તાલીમ આપવામાં આવે છે. 2016થી અત્યાર સુધીમાં 400થી વધુ મહિલાઓને તાલીમ આપવામાં આવી છે.

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતી  28 વર્ષીય દીપાલી પરમારે સાયકોલોજીમાં બીએ કર્યુ.  ત્યારે પોતાના શિક્ષણનો ખર્ચ ઉપાડવા માટે તેણે ડ્રાઈવિંગ શરૂ કર્યું હતું. માસ્ટર્સ ડિગ્રી લીધા પછી પણ દીપાલીએ ડ્રાઈવિંગ ચાલુ જ રાખ્યું. સ્કૂલ વાનથી લઈને  એમ્બ્યુલન્સમાં પણ મહિલા ડ્રાઈવર તરીકે ફરજ બજાવી. જીવની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી દીપાલી જે ભાગ્યે જ ગુજરાતની બહાર ગઈ હશે. હવે એ હંગેરીના હાઈવે પર ભારે ટ્રક અને ટ્રેલર્સ ચલાવશે. એટલુ જ નહીં દીપાલીની માસિક આવકમાં લગભગ 10 ગણો વધારો પણ થશે.

મહિલાઓની આવક દસ ગણી વધશે

અમદાવાદમાં આવેલા એનજીઓ જનવિકાસ દ્વારા છ મહિલાઓની પસંદગી કરીને એમને તાલીમ આપવામાં આવી છે. એનજીઓ દ્વારા આ પહેલો પ્રયોગ છે જેના અંતર્ગત આ મહિલાઓ યુરોપમાં બે વર્ષ સુધી રહેશે અને કોમર્શિયલ ડ્રાઈવર તરીકે કામ કરશે. આ મહિલાઓ અમદાવાદમાં ડ્રાઈવર તરીકે કામ કરીને મહિને મહત્તમ 15 હજાર રૂપિયા કમાતી હતી જ્યારે યુરોપની કમાણીને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો એમનો માસિક પગાર દોઢ લાખ રૂપિયા થશે. ઉપરાંત એમને યુરોપમાં કોમર્શિયલ લાયસન્સ પર કામ કરવાની તક પણ મળશે.

આ ઈનિશિયેટિવનો ભાગ બનનારી મહિલાઓ કહે છે કે,  તેઓ લાંબા સમયથી અમદાવાદમાં ગાડીઓ ચલાવે છે પરંતુ ભારે વાહનો હાંકવા એ એક પડકાર છે. કોમર્શિયલ ડ્રાઈવરોની જરૂરિયાત ઉપરાંત પુરુષ કેંદ્રિત વ્યવસાયોમાં મહિલાઓને પ્રોત્સાહન આપવાના હેતુસર નોન-ટ્રેડિશનલ લાઈવલીહુડ નેટવર્કની મદદથી આ પ્રોજેક્ટ સંભવ બન્યો છે. આ પ્રોજેક્ટમાં દીપાલી ઉપરાંત રેખા કહાર, ગુલનાઝ પઠાણ, રજની રાજપૂત, ભારતી ઠાકોર અને સ્નેહા પુરોહિત પણ સામેલ છે.

રજની રાજપૂતની વાત કરીએ તો એ સિંગલ મધર છે. ડિવોર્સ બાદ પોતાનું અને દીકરીનું પેટ ભરવા માટે એ ડ્રાઈવિંગ શીખી. જ્યારે પતિના મૃત્યુ પછી બંને બાળકોને ઉછેરવા માટે રેખાએ સ્ટીયરિંગ પર હાથ અજમાયો. રેખા હાલ બીઆરટીએસમાં મહિલા ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે.

દાણીલીમડાની રહેવાસી 20 વર્ષીય ગુલવાઝ પઠાણ પણ યુરોપ જઈ રહી છે. એ કહે છે કે, “હું મારા પિતા સાથે રહું છું. આર્થિક તંગીના લીધે મેં દસમા ધોરણ પછી અભ્યાસ છોડી દીધો હતો. ઘર ચલાવવા માટે મારે કોઈક કૌશલ્ય તો વિકસાવવું જ પડશે અને એટલે જ હું ફોર વ્હીલર ચલાવતા શીખવા માટે ડ્રાઈવર બેનમાં જોડાઈ. યુરોપ જવા માટે તૈયારી પણ ખૂબ કરી કારણકે પસંદગી થવી સરળ નહોતી. કોમર્શિયલ લાયસન્સની અરજી માટે યોગ્ય દેખાવ ઉપરાંત ટ્રેલરનું રિવર્સ બોક્સ પાર્કિંગ શીખવામાં ઘણી મહેનત લાગી.  છેવટે મને સંતોષ હતો કે હું એવું કંઈક કરી રહી છું જે કરવાની તક ઘણી મહિલાઓને નથી મળતી. મને આશા છે કે, હું મારા પરિવારને આર્થિક ટેકો આપી શકીશ.”આ એક

ઐતિહાસિક પગલું છે

 

જનવિકાસના સીઈઓ કીર્તિ જોષી ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, આ  મહિલાઓ અને એનજીઓ માટે એક ઐતિહાસિક પગલું છે. “મહિલાઓ આ પ્રોજેક્ટમાં સ્વેચ્છાએ જોડાઈ હતી. એમણે બેંગાલુરુમાં છ મહિના સુધી ટ્રક અને ટ્રેલર જેવા ભારે વાહનો ચલાવવાની તાલીમ લીધી હતી ઉપરાંત પર્સનાલિટી ડેવલપમેન્ટ અને અંગ્રેજી ભાષા પણ શીખ્યા હતા. આ મહિલાઓ કેટલાય પડકારો પાર કરીને અહીં સુધી પહોંચી છે. માટે જ જ્યારે યુરોપિયન એમ્પ્લોયરોએ ઈન્ટરવ્યૂ લીધુ ત્યારે એમને કહ્યું કે, આ બહેનો બધી જ રીતે યોગ્ય છે. આ વાત સાંભળીને અમને કઈંક સારું કર્યાની અનુભૂતિ થઈ. અમારી માટે પણ આ ક્ષણ ગર્વની છે.

વધુમાં કીર્તિ કહે છે, “નોન-ટ્રેડિશનલ લાઈવલીહુડ નેટવર્ક સાથે જોડાયેલી ભારતના અન્ય કેટલાક રાજ્યોની મહિલાઓને પણ યુરોપ જવાની તક મળી છે. અમે સતત આ મહિલાઓના સંપર્કમાં રહીને એમની સુરક્ષાની ખાતરી કરીશું અને કોઈ મુશ્કેલી આવશે તો એમાંથી બહાર નીકળવામાં મદદ કરીશું”

‘જહાં ચાહ વહાં રાહ’

આગામી સપ્ટેમ્બરમાં મહિલાઓનું આ ગ્રુપ રોડ સેફ્ટી કોર્સ કરશે. જે બાદ તેઓ હંગેરી જશે અને રાઈટ-હેન્ડ ડ્રાઈવ શીખશે. અલગ ડ્રાઈવિંગ સ્ટાઈલથી માંડીને હવામાન અને રહેણીકરણીના ખર્ચ સહિતના કેટલાય પડકારો તેમની રાહ જોવે છે. પરંતુ કહેવાય છે કે ‘જહાં ચાહ વહાં રાહ’આ મહિલાઓ પણ એવી જ એક અનોખી સફરે નિકળી છે.