હવે ગુજરાતીમાં ઉપલબ્ધ થશે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ

અમદાવાદઃ હાઇકોર્ટની વેબસાઇટ પર હવે એક સમર્પિત ખંડ હશે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટુલનો ઉપયોગ કરીને ગુજરાતીમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયો-આદેશોનો અનુવાદ હશે. આ નિર્ણયની ઘોષણા કરતો એક સર્ક્યુલર ગુરુવારે હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલે જારી કર્યો હતો. એ સુવિધા ટોચની કોર્ટની AI અસિસ્ટેડ લીગલ ટ્રાન્ઝેક્શન એડવાઇઝરી કમિટીના માર્ગદર્શનમાં અને કાર્યવાહક મુખ્ય જસ્ટિસ એજે દેસાઈ અને હાઇકોર્ટની IT સમિતિના અન્ય જસ્ટિસોની મંજૂરીથી શરૂ કરવામાં આવી હતી.

જોકે પ્રારંભમાં ગુજરાતથી સંબંધિત અને જાહેર હિતથી જોડાયેલા મામલાઓમાં સુપ્રીમ કોર્ટના છ આદેશોને ગુજરાત રાજ્ય ન્યાયિક એકેડેમીની સહાયતાથી વેબસાઇટમાં ઇપલોડ કરવામં આવશે. દેશમાં મુખ્ય જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે હાલમાં કહ્યું હતું કે પ્રાદેશિક ભાષાઓમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને જારી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી 2900 નિર્ણયોને સ્થાનિક ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવી ચૂક્યું છે. કેરળ, દિલ્હી, બોમ્બે અને અલાહાબાદ કોર્ટોએ પહેલાં જ પોતાના ચુકાદાઓને પોતપોતાનાં રાજ્યોની સ્થાનિક ભાષાઓમાં પ્રકાશિત કરવાનું શરૂ કરી દીધું છે.

હાઇકોર્ટના ટ્રાન્સલેશન સેલ, IT સેલ દ્વારા વિકસિત કરવામાં આવેલા સોફ્ટવેર પ્રોગ્રામ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ગુજરાતી ભાષામાં સીધા અપલોડ કરી શકાશે અને એને ડાઉનલોડ પણ કરી શકાશે. આટલું જ નહીં, એની સાથે એની પાસે અંગ્રેજી ભાષાનો મૂળ ચુકાદો પણ ઉપલબ્ધ રહેશે.