MICAનાં વિદ્યાર્થીઓએ ગ્રામીણ વિસ્તારમાં રહીને કામગીરી બજાવી

અમદાવાદઃ અત્રેની MICA સંસ્થાનાં દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓએ ‘રૂરલ ઈમર્સન કોર્સ’ના ભાગરૂપે દેશના જુદા જુદા ગ્રામીણ વિસ્તારોમાં રહીને સામાજિક અસર ઉપજાવનાર યોજનાઓ પર કામગીરી બજાવી હતી. આ રોકાણને કારણે એમને ગ્રામીણ જીવન અને સંસ્કૃતિ વિશેનો કિંમતી અનુભવ પ્રાપ્ત થયો હતો. વિદ્યાર્થીઓએ માનસિક આરોગ્ય અંગે જાગૃતિનો પ્રસાર કરવા, આદિવાસીજનોમાં સાહસવૃત્તિ કેળવવા, લિંગ સંવેદના, મહિલા સક્ષમીકરણ, આર્થિક સાક્ષરતા, ગ્રામીણ માર્કેટિંગ વગેરે વિષયોની યોજનાઓ પર કામ કર્યું હતું.

MICAના સહ-ચેરપર્સન (રૂરલ ઈમર્સન કોર્સ) પ્રો. કલ્લોલ દાસે કહ્યું છે કે, ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતી ગુજરાત ફોરેસ્ટ્સ, આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ, સ્વદેસ ફાઉન્ડેશન, જયપુર રગ્સ, સંવેદના ફાઉન્ડેશન, અદાણી ફાઉન્ડેશન, નેશનલ લાઈવલીહુડ્સ રીસોર્સીસ ઈન્સ્ટિટ્યૂટ, SEWA જેવી શ્રેષ્ઠતમ સંસ્થાઓ સાથે સહયોગ કરવા બદલ અમે ગૌરવની લાગણીનો અનુભવ કરીએ છીએ. છ મહિનાના કોર્સ અંતર્ગત 179 વિદ્યાર્થીઓએ દેશના જુદા જુદા ગામડાઓમાં જઈને 10 દિવસ વીતાવ્યા હતા. એ દરમિયાન તેમણે ગ્રામજનો સાથે વાતચીત કરી હતી અને એમની પાયાની સમસ્યાઓ અને ચિંતાજનક બાબતો અંગે જાણકારી મેળવી હતી.

વિદ્યાર્થીઓની એક ટૂકડીએ સંવેદના ફાઉન્ડેશનના સહયોગમાં એક ગ્રામીણ શાળા પરના પ્રોજેક્ટ પર કામગીરી બજાવી હતી. તેમણે ગુજરાતના ધોળકા નજીકના લાના ગામમાં જઈ, ત્યાં 10 દિવસ સુધી રહીને ત્યાંના લોકોમાં શિક્ષણના મૂલ્ય અંગે લોકજાગૃતિ પ્રસારનું કામ કર્યું હતું. સાથોસાથ, એમણે સ્થાનિક સંસ્કૃતિ અને જીવનશૈલી વિશેની જાણકારી પણ મેળવી હતી.

યુવરાજ મહેતા નામના એક વિદ્યાર્થીએ બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશન (બીપીએ) સાથે મળીને કામ કર્યું હતું. તેણે કહ્યું, અમારા પ્રોજેક્ટનો હેતુ એક એવા માર્કેટિંગ સહયોગનું નિર્માણ કરવાનો છે. અમે ઠાસરા ગામનાં લોકોને હતાશા, અન્ય માનસિક બીમારીઓ થાય તો બીપીએ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવતી મફત મેડિકલ સેવાઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યાં હતાં.