છેવટે નિત્યાનંદનો આશ્રમ ખાલી કરાવાયોઃ સ્કૂલની માન્યતા ય રદ્દ

અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમમાંથી બે યુવતીઓ ગુમ થયાની તપાસ દરમિયાન ડીપીએસ સ્કૂલ માન્યતા વિના જ ચલાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. હોબાળો મચ્યા પછી આ સ્કૂલની માન્યતા જ રદ્દ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ પકડાઈ જવાના ડરથી શાળાના સીઈઓ અને ટ્રસ્ટી મંજૂલા પૂજા શ્રોફ અને હિતેન વસંતે આગોતરા જામીન માટે અરજી કરી છે. આ વચ્ચે આશ્રમને જિલ્લા પ્રશાસને ખાલી કરાવી દીધો છે.

ગુજરાત શિક્ષણ વિભાગે અમદાવાદના હીરાપુર વિસ્તારમાં ચાલી રહેલી ડીપીએસ સ્કૂલની જમીનના સંપાદન મામલે અને સીબીએસઈ માન્યતાના દસ્તાવેજ ખોટા મળી આવ્યા બાદ શાળાની 1 થી 8 સુધીની માન્યતા રદ્દ કરી દેવામાં આવી છે. હવે આ શાળામાં નવું કોઈ એડમિશન નહી થાય. આગામી શૈક્ષણિક સત્રથી આ શાળા પર તાળુ લાગી જશે. બીજીતરફ શાળાએ વાલીઓને બાળકોને સ્કૂલમાં ન મોકલવા માટે મેસેજ કર્યા છે. ત્યારબાદ વાલીઓએ ભેગા મળીને સરકારને શાળાની માન્યતાને રદ્દ ન કરવા માંગ કરી છે. સરકારે શાળા અને વાલીઓની માંગને ઠુકરાવી દીધી છે.

ડીપીએસના સીઈઓ મંજૂલા પૂજા શ્રોફ અને ટ્રસ્ટી હીરેન વસંતે ધરપકડના ડરથી આગોતરા જામીન અરજી કરી દીધી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ જણાવ્યું કે પોલીસ તપાસમાં ડીપીએસ શાળાના પરિસરમાં ચાલી રહેલા નિત્યાનંદ આશ્રમમાં બાળકોના અપહરણ, બાળ મજૂરી અને પ્રતાડિત કરવાના મામલા સામે આવ્યા છે. આ જ આધાર પર બે સેવિકાઓ નિત્યપ્રિયા અને પ્રાણપ્રિયાની ધરપકડ કરવામાં આવી છે. નીચલી કોર્ટે સોમવારના રોજ તેમની જામીન અરજી ફગાવી દીધી છે. તંત્રએ આશ્રમને ખાલી કરાવી દીધો છે. આશ્રમના બાળકોને અત્યારે બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કેલોરેક્સ ગ્રુપ અને દિલ્હી પબ્લિક સ્કૂલના સીઈઓ અને ટ્રસ્ટી મંજૂલા પૂજા શ્રોફ પણ વિવાદાસ્પદ સ્વામી નિત્યાનંદની ભક્ત બની ગઈ હતી. ખોટા દસ્તાવેજોથી સીબીએસઈની માન્યતા લેવાની સાથે ડીપીએસે ગુજરાત સરકારને પણ ખોટા દસ્તાવેજ આપીને જમીન લીઝ પર લીધી હતી. આટલું બધું થયા છતા ખોટી રીતે શાળા પ્રશાસને નિત્યાનંદને આશ્રમ માટે પોતાના જ કેમ્પસમાં જમીન ઉપ્લબ્ધ કરાવી દીધી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર પૂજા શ્રોફ પોતે નિત્યાનંદની ભક્ત બની ગઈ હતી. અને એટલા માટે કાયદાને અવગણવામાં આવ્યો અને ગેરકાયદેસર કામો કરવામાં આવ્યા. પોતાની લાગવગ અને ઉચ્ચ કનેક્શનો પર મુસ્તાક હિતેન વસંત અને મંજુલા પૂજા શ્રોફ હવે કાયદેસર કાર્યવાહીથી બચવા અને આગોતરા જામીન મેળવવા હવાતિયાં મારી રહયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]