નવ વર્ષના બાળકે અંગદાન કરી પાંચ વ્યક્તિને નવજીવન આપ્યું

સુરત : રાજ્યની આર્થિક રાજધાની સુરત દેશમાં અંગદાનમાં પણ સૌથી આગળ છે. આજે જ મૂળ બીલીમોરાના અને સુરતમાં સારવાર માટે આવેલા નવ વર્ષના સમીર અલ્પેશભાઈ મિસ્ત્રી બ્રેઈન ડેડ થયા હતા. સુરતની ડૉનેટ લાઈફ સંસ્થાની સમજાવટથી અને પરિવારની સંમતિથી એના અગોનું દાન કરતા નવ વ્યક્તિને નવજીવન આપવામાં આવ્યું છે.

બીલીમોરાની એલ.એમ.પી સ્કુલમાં ધોરણ-૪માં અભ્યાસ કરતો સમીર પોતાના પિતા અલ્પેશ મિસ્ત્રી બીલીમોરામાં લવલી બેગ્સના નામથી બેગ બનાવવાનું અને રીપેરીંગનું કામ કરે છે. માતા સોનલ અલ્પેશ મિસ્ત્રી ગૃહીણી છે.

૨૧ ઓક્ટોબરના રોજ સમીર પોતાની પિતાની દુકાન પાસે સાંજે ૭:30 કલાકે રમતી વખતે દાદર પરથી પડી જતા તેને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી અને તે બેભાન થઇ ગયો હતો. સારવાર માટે તેને બીલીમોરામાં આવેલ શૈશવ હોસ્પિટલમાં લઇ જતા ડોક્ટરે તેને તપાસી સીટી સ્કેન કરાવવાની સલાહ આપી. સીટી સ્કેન કરાવતા જમણી બાજુના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું. આથી પરિવારજનોએ તેને તાત્કાલિક સુરતની એપલ હોસ્પીટલમાં ન્યૂરોસર્જન ડૉ. કે.સી જૈનની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી પરંતુ મંગળવાર ૨૯ ઓક્ટોબરના રોજ ન્યૂરોસર્જન ડૉ. કે.સી જૈન, ડૉ. કિરીટ શાહ, ફિજીશિયન ડૉ. અલ્પેશ પરમાર, અને ડૉ.હાર્દિક પટેલે સમીરને બ્રેનડેડ જાહેર કર્યો.

સમીરના માતા-પિતા અલ્પેશ અને સોનલે જણાવ્યું કે અમે વારંવાર વર્તમાન પત્રોમાં ઓર્ગન ડોનેશન અંગેના સમાચાર વાંચીએ છીએ. આપણે ત્યાં નાના બ્રેઈન ડેડ બાળકોના અંગોનું દાન ઓછુ થાય છે. આજે અમારુ બાળક બ્રેનડેડછે ત્યારે તેના અંગદાનથી નાની ઉંમરના કિડની અને લિવર નિષ્ફળતાના બાળકોને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધવા મંજૂરી આપી હતી. અમારા પુત્રના અંગદાન થકી અમારો પુત્ર બીજા ચાર-પાંચ બાળકોમાં જીવિત રહેશે.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા ડૉનેટ લાઈફના નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO)ના કન્વીનર ડો. પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની અને લિવરનું દાન લેવા આવવા માટે જણાવ્યું હતું. અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ. જમાલ રિઝવી અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુ બેંકે સ્વીકાર્યું.

દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ જરૂરિયાતમંદ ત્રણ બાળકોમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં કરવામાં આવેલ છે.
ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૪૫ કિડની, ૧૩૮ લીવર, ૭ પેન્ક્રીઆસ, ૨૩ હૃદય, ૪ ફેફસાં અને ૨૫૦ ચક્ષુઓ કુલ ૭૬૭ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૦૩ વ્યક્તિઓને નવુંજીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.

(ફયસલ બકીલી)