અમદાવાદ: રાજ્યમાં કોરોના વાઇરસના કેસો સતત ઘટી રહ્યા છે. રાજ્યના મોટા ભાગના લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે અને બીજા ડોઝના રસીકરણનું કામ પુરજોશમાં ચાલુ છે. જોકે રાજ્યમાં દેશ અને રાજ્યમાં ત્રીજી લહેરની આશંકાને પગલે સરકારે ફરી આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુ લંબાવવાનો નિર્ણય લીધો છે.
રાજ્યનાં આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. આ આઠ શહેરોમાં રાત્રે 11 કલાકથી સવારે 6 કલાક સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઇરસના નવા 12 કેસ નોંધાયા છે અને સામે 16 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ સહિત 30 જિલ્લાઓમાં એક પણ નવા કેસની પુષ્ટિ થઈ નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 8,15,386 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને કુલ મૃત્યુઆંક 10,082 નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ સક્રિય કેસો 161 છે, જેમાં પાંચ દર્દી વેન્ટિલેટર પર જ્યારે 156 દર્દી સ્થિર છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં છ, વડોદરામાં ચાર, જામનગરમાં એક અને સુરતમાં એક કેસ નોંધાયો છે.